અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરબસાગરમાં આવેલા કરંટથી નવી વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે ગુજરાતમાં 24 કલાક 141 તાલુકામાં વરસાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારથી અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 20 જુલાઈ 6 વાગ્યાથી 21 જુલાઈ સાવરે 6 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૈથી જૂનાગઢના માંગરોડમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગરના જોડિયા અને જૂનાગઢ શહેરમાં 3 ઈંચ આસપાસ વરસાદ વરસ્યો હતો. વલસાડના વાપી અને ઉંબરગાંવમાં 2.5 ઈંચ વરસાદ નોંધયો હતો. જ્યારે અમદાવાદમાં ગઈકાલે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.
આપણ વાંચો: સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 42 લોકો પીધેલી હાલતમાં પકડાયા
ગુજરાતમાં 21 જુલાઈ સવારે 6 વાગ્યથી 8 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇ વે, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વડોદરાના સિનોરમાં એક ઈચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભરૂચના ઝગડિયામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ અનુસાર, આજે (21મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ઘણાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.