ગુજરાતમાં વરસાદી મોહાલ યથાવત્, 24 કલાકમાં 174 તાલુકામાં મેઘ મહેર

અમદાવાદ: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. આ સાથે 24 કલાકમાં 174 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 19 જુલાઈના 6 વાગ્યાથી 20 જુલાઈના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 174 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ 113 મિ.મી. (4.45 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે પોરબંદરના રાણાવાવમાં 111 મિ.મી. (4.37 ઇંચ) વરસાદ ખાબક્યો. આ ઉપરાંત બનાસકાંઠાના લાખાણી 2.75 ઈંચ, અમીરગઢ અને પાલનપુર 2.5 ઈંચ વરસાદ વરસ્યો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ પ્રમામે રાજસ્થાનમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમની અસરથી દરિયાકાંઠે 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યાતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે.
આ પણ વાંચો…ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેરઃ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.17 ઈંચ વરસાદ