
અમદાવાદ: ગુજરાતમાં ત્રણ વરસાદ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 6 જુલાઈના સાવરે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે પાછલા 24 કલાકમાં 32 જિલ્લાના 204 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 6 જુલાઈના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, અને વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બે કલાકમાં 51 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં 2 ઈંચ નોંધાયો છે. જ્યારે બારડોલી અને વાલોદમાં સવા-સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડોલવન, સોનગઢ, દાંતામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 45 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગઈકાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના 5 જુલાઈ સવારે 6 વાગ્યાથી 6 જુલાઈ સાવરે 6 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીના ભીલોડામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપીના વ્યારા અને ડોલવનમાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતના પલાસણમાં 5 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરત સીટી, વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર, તાપી જિલ્લાના સોનગઢ, દેવભૂમી દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં વરસાદ સ્થિતિ
ગુજરાતમાં શનિવાર 5 જુલાઈના રોજ સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ 47.41 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 43.71 ટકા, મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 41.78 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી ઓછો 39.15 ટકા ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે, 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાત જુલાઈની આગાહી જોઈએ તો, સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 158 તાલુકામાં વરસાદ