
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેતી અને શહેરી જીવન પર નોંધપાત્ર અસર થવાની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદે વરસ્યો હતો.
22 જુલાઈ, 2025ના રોજ રાજ્યના 90 તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના જાલાલપોરમાં 5.24 ઇંચ અને નવસારી શહેરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો, જે સૌથી વધુ હતો. આ ઉપરાંત, મહુવામાં 2.20 ઇંચ, ગણદેવીમાં 2.13 ઇંચ, વાલોદમાં 2.1 ઇંચ, વડોદરામાં 1.65 ઇંચ, કડાણામાં 1.46 ઇંચ, કલોલમાં 1.42 ઇંચ, ડોલવણમાં 1.30 ઇંચ અને ઉમરગામમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતમાં 23 જુલાઈના સાવરે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદ નોંધાય હતો.
હવામાન વિભાગે 23 જુલાઈથી 29 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારોને સલામતી માટે દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
આપણ વાંચો: અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા…
છેલ્લા 24 કલાકના વરસાદે રાજ્યના ખેડૂતોને બેવડી અસર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં અતિભારે વરસાદે ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન થયું, જ્યારે મધ્યમ વરસાદે કેટલાક ખેડૂતોના પાકને ફાયદો પહોંચાડ્યો. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ રહેવાસીઓની મુશ્કેલી વધારી છે, ખાસ કરીને રસ્તાઓ પર ટ્રાફિક જામ અને ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ ઉજાગર થઈ છે. વહીવટી તંત્રને આ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવા પડકારોનો સામનો કરવો પડશે.