ગીર સોમનાથ, અમરેલીમાં મોડી રાતથી વરસાદ: મગફળી અને કપાસને મોટું નુકસાન

અમદાવાદ: ગુજરાતના અમુક જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત મોડી રાતથી જ અનેક જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અમેરલી, ગીર સોમનાથ તેમજ દરિયાકાંઠાના ભાગો તેમજ વલસાડ, તાપી, નવસારી જિલ્લાના અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી, બગસરા, ચલાળા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ તેમજ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, ઉના, વેરાવળ સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તે સિવાય જૂનાગઢ જિલ્લાના વિસાવદર તેમજ ગીર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. દિવાળી બાદના સમયમાં પડેલા આ વરસાદને કારણે મગફળીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. તે સિવાય કપાસના પાકમાં પણ તેની અસર થવાની છે.
તે ઉપરાંત ડિપ્રેશનની અસરના કારણે અરબ સાગર તોફાની બન્યો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. તેના કારણે સલાયા બંદર પર એક નંબરનું તેમજ ઓખા સહિતના અન્ય બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વહેલી સવારે ધીમીધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે.
આ પણ વાંચો…ટેકાના ભાવે ખરીદીની સ્પષ્ટતા નહીં: અમરેલીના ખેડૂતો મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર



