
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. પરંતુ 8 જુલાઈ મંગળવારના વરસાદે આંશિક વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે 153 તાલુકામાં 0.04 ઈંચથી લઈ 4 ઈંચ સુધી નોંધપાત્ર વરસાદ થયો હતો. આ સાથે આજેમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા અને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડશે. જો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. મહત્વનું છે અત્યાર સુધી રાજ્યમાં સામાન્યથી 112 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસ્યો છે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
153 તાલુકામાં નોંધાયો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા 8 જુલાઈના જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના ગોધરામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કચ્છના ગાંધીધામ અને માંડવી 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આઠ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના 141 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત સવારે 6 વાગ્યથી આઠ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છૂટોછવાયા ઝાપટા નોંધાયા છે.
રેકોર્ડ બ્રેક વરસાદ
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. જેની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ વરસ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, અ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 62 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ