અષાઢી સાંજનાં અંબર ગાજે : સુત્રાપાડામાં 4.5 ઇંચ – નદીઓમાં ઘોડાપૂર
અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજાની મહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસી રહી છે. હવામાન વિભાગે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે પડેલા વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. તો રસ્તાઓ ધોવાણ થવાના લીધે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 76 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પર હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને સુત્રાપાડામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. વેરાવળમાં 4.5 ઇંચ, જામ ક્લ્યાણપૂર અને ખાંભામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જુનાગઢના વંથલી અને માણાવદર તેમજ પોરબંદર, ગીર ગઢડા, શિહોરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: મુંબઈમાં આગામી બેથી ત્રણ કલાકમાં ભારે વરસાદની શક્યતા
ગીર સોમનાથ જિલ્લામાં અને ગીરના જંગલ વિસ્તારમાં વરસી રહેલી મેઘમહેરને પગલે નદી-નાળાઓ બેકાંઠે વહી રહ્યા છે. મચ્છુન્દ્રી નદીમાં આવેલ પૂરના હિસાબે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. આ સાથે આકોલવાડી, સુરવા અને માધુપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સરસ્વતી નદીના ધસમસતા પ્રવાહમાં પ્રાચી ખાતે આવેલ માધવરાયજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘાની મહેર વરસી રહી છે. જિલ્લાના ખાંભામાં પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. તાલુકાના ભાણીયા, નાનુડી, ધાવડીયા, તાંતણીયામાં ભારે વરસાદ પડ્યો છે. ભાણીયા અને તાંતણીયા ગામની નદીમાં ભારે પૂર આવ્યું છે. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં પડેલા વરસાદના પગલે સારણ ડેમ સંપૂર્ણ ભરાય જતાં ડેમાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે.