ગુજરાતના આ 4 જિલ્લામાં 4 દિવસમાં વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી વધી

અમદાવાદ: દિવાળીનો તહેવાર આવી ગયો હોવા છતાં ગુજરાતમાં ઉનાળા જેવો આકારો તાપ પડી રહ્યો છે, હવે નવા વર્ષની શરૂઆત સાથે લોકો ફૂલગુલાબી ઠંડી પાડવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે. રવિવારે સુરત સહીત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સોમવારે પણ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત જીલ્લાના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો.
હવે હવામાન વિભાગે 24 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જીલ્લામાં 21 થી 24 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જેને કારણે વાતાવરણ અહલાદક રહેશે.
ગરમીમાં વધારો:
સોમવારે દિવાળીના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલામાં 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 37 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 36.7 ડિગ્રી સેલ્સિયસ , ભુજમાં 36.6 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 36 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 36.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 35.9 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 34.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
આપણ વાંચો: અમદાવાદમાં પત્નિને સહકર્મટારી સાથે જોઈને ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખી