આ જિલ્લાને આજે વરસાદ ધમરોળશે, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. આ વચ્ચે હવામાન વિભાગ પ્રમાણે રાજ્ય પર ત્રણ ત્રણ વરસાદી સીસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીર, તલાલા, અમરેલી, ખાંભા, જૂનાગઢ, વંથલી, સાવરકુંડલા, ડાંગ, સાબરકાંઠા, પાટણના સિદ્ધપુર અને અરવલ્લીના મેઘરજ જેવા વિસ્તારોમાં સતત વરસાદ નોંધાયો છે. આ વરસાદથી મગફળી અને કપાસ જેવા પાકોને જીવનદાન મળ્યું છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નદીઓમાં નવા પાણીની આવક થઈ છે, અને વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં વરસાદની સ્થિતિ
ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધી 65 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 70.11 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 67.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.89 ટકા, કચ્છમાં 65.46 ટકા અને સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 72.13 ટકા પાણીનો જથ્થો છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 74.94 ટકા પાણી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.36 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.94 ટકા, કચ્છના 20 ડેમમાં 54.52 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.61 ટકા પાણીનો જથ્થો છે.
ભારતીય હવામાન વિભાગે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં આગામી છ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 16થી 18 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં અતિભારે વરસાદ, જ્યારે 17 અને 18 ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જે વરસાદની તીવ્રતા વધારી રહ્યું છે. ગુજરાતમાં 18 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની સૂચના અપાઈ છે.
આ પણ વાંચો…ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: 168 તાલુકામાં મેઘમહેર, ધોરાજીમાં 3 ઇંચ વરસાદથી પાકને જીવતદાન