અમદાવાદમાં રેલવેનું નવું નજરાણુંઃ રાજકોટ પછી આંબલી રોડ પર બનશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા આંબલી રોડ સ્ટેશનના પરિસરમાં એક જૂના રેલવે કોચને આધુનિક રેલ કોચ રેસ્ટોરાંમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે.
આ પહેલનો મુખ્ય હેતુ લોકોને એક અલગ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો છે. અગાઉ બાંદ્રા ટર્મિનસ અને રાજકોટ જેવા શહેરોમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો જેની સફળતા બાદ આ આંબલીમાં પણ આવું રેસ્ટોરાં બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદની જનતા પણ રેલવેના આ હરતા-ફરતા ડાઈનિંગ હોલનો આનંદ માણી શકશે.
આ રેલ કોચ રેલ કોચ રેસ્ટોરાંની સૌથી મોટી વિશેષતા એ હશે કે તે 24 કલાક કાર્યરત રહેશે. અહીં મુસાફરો અને સ્થાનિક નાગરિકો દિવસ હોય કે રાત, ગમે ત્યારે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી શકશે.

આપણ વાચો: અમદાવાદ ડિવિઝનના રેલવે સ્ટેશનોને મળશે રેલ કોચ રેસ્ટોરાં, કેવી હશે સુવિધા?
રેસ્ટોરામાં ઇન્ડોર બેઠક વ્યવસ્થાની સાથે આઉટડોર ડાઇનિંગની પણ સુવિધા હશે. આ ઉપરાંત, અહીં આવતા પરિવારો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને બાળકો માટે ખાસ ‘ફન ઝોન’ પણ બનાવવામાં આવશે, જેથી બાળકો રમી શકે અને વડીલો નિરાંતે ભોજન કરી શકે.
આ રેસ્ટોરન્ટને હરિયાળીથી ભરપૂર અને આનંદદાયક વાતાવરણમાં તૈયાર કરવામાં આવી રહી છે. આધુનિક ડિઝાઇન સાથેના આ કોચમાં જ રસોડું (એટેચ્ડ કિચન) હશે, જ્યાંથી ગ્રાહકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે.
મેનૂમાં ઇન્ડિયન, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ જેવી અનેક વેરાયટી રાખવામાં આવશે. તમામ સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહેલી આ રેસ્ટોરન્ટમાં ટેક-અવે અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આપણ વાચો: રાજકોટમાં વેસ્ટર્ન રેલવેનો નવતર પ્રયોગ, ટ્રેનના કોચની અંદર રેસ્ટોરાં ખોલી
આંબલી રોડ સ્ટેશન પર આ પ્રોજેક્ટ સફળ થયા બાદ રેલવે વહીવટતંત્ર આગામી સમયમાં મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર પણ આવી જ ‘રેલ કોચ રેસ્ટોરાં’ વિકસાવવાની યોજના ધરાવે છે.
ભારતીય રેલવેના આ ઇનોવેટિવ એપ્રોચને કારણે રેલવેને આવક પણ થશે અને સામાન્ય લોકોને એક આકર્ષક પિકનિક સ્પોટ જેવું વાતાવરણ પોતાના જ શહેરમાં મળી રહેશે.



