
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પોલીસ દારૂના દૂષણને ડામવા માટે સતત પ્રયાસ કરતી હોય છે. આ વચ્ચે સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટી પર દરોડા પાડીને 100 વધુ લોકની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગેરકાયદે દારૂના સેવનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર સાણંદ પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી. બાતમીના આધારે સાણંદ પોલીસે ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં રાત્રે દરોડો પાડ્યો, જ્યાં રિયલ એસ્ટેટ વ્યવસાયી પ્રતિક સંઘવીની જન્મદિવસની ઉજવણીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે રિસોર્ટમાં હાજર 100 લોકોની તપાસ કરી, જેમાંથી 16 યુવકો અને 26 યુવતીઓ દારૂના નશામાં ઝડપાયા. આ કુલ 42 લોકોને ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
પોલીસે ઝડપાયેલા તમામ 42 લોકોની મેડિકલ તપાસ માટે ચાર બસ અને વાહનોનો ઉપયોગ કર્યો. મોડી રાતથી સવાર સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન, ઝડપાયેલા લોકોના પરિવારજનો પણ સાણંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, તમામની ધરપકડ કરી અને તપાસ આગળ વધારી.
આ અગાઉ 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા હતા.પોલીસે અમદાવાદ,ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યા હતા.આ બનાવના 24 કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી છે.