અમદાવાદટોપ ન્યૂઝ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી પહેલી વાર ગુજરાત આવશે રાહુલ ગાંધી

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ એક બાદ એક ચૂંટણી હારી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા ધબડકા પછી રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. વડા પ્રધા ન નરેન્દ્ર મોદી પણ આ દિવસોમાં ગુજરાત છે.

ગુજરાતમાં કોંગ્રેસ દિવસને દિવસે નબળી પડી રહી છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ અને પહેલી વાર આમ આદમી પાર્ટી સામે 13 ટકા મત ગુમાવ્યા. આ પછી, કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે AAP સાથે હાથ મિલાવ્યા, પરંતુ પરિણામ એ જ રહ્યું. 24 બેઠકોમાંથી, કોંગ્રેસ ફક્ત એક જ બેઠક બનાસકાંઠા જીતી શકી, જ્યારે AAP એ ગઠબંધનમાં લડેલી બંને બેઠકો હારી ગઈ.

આ પછી, કોંગ્રેસે વરિષ્ઠ નેતા શક્તિ સિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાને વિપક્ષ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બંનેને પાર્ટીનું પુનર્ગઠન કરવાનું કહેવામાં આવ્યું છે. ગોહિલ ગુજરાતમાં ભાજપનો સામનો કેવી રીતે કરી શકાય તે સારી રીતે જાણે છે.

આપણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તડામાર તૈયારીઓ, Rahul Gandhi 7-8 માર્ચે મુલાકાતે…

ચાવડા જન મંચ નામના અભિયાનને આગળ વધીરી રહ્યા છે. ચાવડાના કહેવા મુજબ, રાહુલ ગાંધી ગુજરાતમાં પક્ષનું સંગઠન મજબૂત બને તેમ ઈચ્છી રહ્યા છે. તેઓ લોકોને ભરોસો અપાવવા માંગે છે કે કોંગ્રેસ તેમની સાથે છે.

64 વર્ષ પછી તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે. આ માટે રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થયું છે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ સાથે જ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે મિટિંગ કરશે. તથા સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ મિટિંગ કરશે. અને ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button