વક્ફ સંશોધિત બિલ મુદ્દે દેશમાં મુસ્લિમોનો વિરોધઃ અમદાવાદમાં પ્રદર્શન કરનારાની અટક

અમદાવાદ: લોકસભા અને રાજ્યસભામાં વકફ બિલને મંજૂરી મળ્યા બાદ સમગ્ર દેશમાં સ્થિતિ વણસે તેવી આશંકા છે. વકફ બિલને લઈને અમદાવાદમાં લોકોનો વિરોધ જોવા મળ્યો હતો. આજે નમાજ બાદ સીદી સૈયદની જાળી ખાતે મુસ્લિમ સમુદાયનાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આપણ વાંચો: વકફ બિલને જેડીયુએ સમર્થન આપતા પાર્ટીમાં બબાલ: મુસ્લિમ નેતાઓ નારાજ થતા આપ્યા રાજીનામા
પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા AIMIM અને સ્થાનિક લોકોની અટકાયત કરી હતી. તે ઉપરાંત જમાલપુરમાં પણ AIMIMનાં ગુજરાત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા એ બેનરો સાથે વકફ બિલનો વિરોધ કર્યો હતો.
દિલ્હીમાં પણ પોલીસ એલર્ટ મોડ પર
લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ દિલ્હીમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે. વિરોધ પ્રદર્શનની શક્યતાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હીના શાહીન બાગમાં દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે જામિયા નગરથી જામા મસ્જિદ સુધીના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ફક્ત પોલીસ જ જોવા મળી હતી. બિલ પસાર થયા બાદ આજે શુક્રવારને લઈને જુમ્માની નમાજ હોવાથી મસ્જિદોની આસપાસ દેખરેખ પણ વધારવામાં આવી હતી.
આપણ વાંચો: વકફ બિલ મુદ્દે ઘમાસાણ યથાવત; બિલને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે
કોલકાતામાં પણ વિરોધ
બીજી તરફ, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ વકફ બિલ સામે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. જયા લોકોએ રસ્તાઓ પર ઉતરીને વક્ફ બિલ પરત ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ, રાંચીમાં પણ મુસ્લિમ સમુદાયએ વક્ફ બિલમાં સુધારા સામે વિરોધ નોંધાવ્યો હતો.
શુક્રવારની નમાજ બાદ અકરા મસ્જિદની બહાર પ્રદર્શનકારીઓએ હાથમાં બેનરો લઈને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. પ્રદર્શનકારીઓ બિલમાં થયેલા ફેરફારોને તેમના અધિકારો પર હુમલો માની રહ્યા છે.