અમદાવાદ

ગુજરાતની 5780 ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જાહેર, સ્કૂલ એક રૂપિયો પણ વધારે લે તો ક્યાં ફરિયાદ કરશો ?

અમદાવાદ: ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે કરવામાં આવતી ઉઘાડી લૂંટ પર લગામ કસવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ એક મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અત્યાર સુધી અનેક શાળાઓ કમિટી દ્વારા નક્કી કરાયેલી ફી છુપાવીને વાલીઓ પાસેથી મનફાવે તેવી રકમ વસૂલતી હોવાની ફરિયાદો ઉઠતી હતી.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે રાજ્યની તમામ મુખ્ય ખાનગી શાળાઓની સત્તાવાર ફી જાહેર જનતા માટે ઓનલાઈન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ પગલાથી શિક્ષણ જગતમાં પારદર્શિતા આવશે અને વાલીઓ છેતરાતા બચશે.

હવે વાલીઓએ પોતાની શાળાની ફી જાણવા માટે સંચાલકો પર નિર્ભર રહેવું નહીં પડે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની આશરે 5,780 જેટલી ખાનગી શાળાઓની ફી વિગતો FRCની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેમાં એકલા અમદાવાદ ઝોનની જ 2,310 શહેરી અને 394 ગ્રામ્ય શાળાઓનો સમાવેશ થાય છે.

વાલીઓ પોતાના બાળકના ધોરણ, માધ્યમ (ગુજરાતી કે અંગ્રેજી) અને બોર્ડ (GSEB, CBSE વગેરે) મુજબ મંજૂર થયેલી ફીનું માળખું આસાનીથી જોઈ શકશે. આ વ્યવસ્થાથી શાળાઓ હવે ફી ઓર્ડર છુપાવી શકશે નહીં.

વર્ષ 2017માં ફી નિયમન કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, ઘણી શાળાઓ એડમિશન ફી, ટર્મ ફી કે ઈતર પ્રવૃત્તિઓના બહાને વાલીઓ પાસેથી વધારાના નાણાં ખંખેરતી હતી. પરંતુ હવે નવા નિયમો મુજબ, FRC દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય એક પણ રૂપિયો વધારાનો લેવો ગેરકાયદે ગણાશે.

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ વહીવટી તંત્ર વધુ કડક બન્યું છે. નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ જ જોગવાઈ રાખવામાં આવી નથી, એટલે કે શાળાઓએ તમામ ખર્ચ નિર્ધારિત ફીમાં જ આવરી લેવાના રહેશે.

અગાઉ શાળાઓને તેમના નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ મોટાભાગની શાળાઓ આ આદેશનું ઉલ્લંઘન કરતી હતી. હવે જ્યારે બધી માહિતી ઓનલાઈન છે, ત્યારે વાલીઓ પાસે પુરાવા તરીકે સત્તાવાર આંકડા રહેશે.

જો કોઈ શાળા મંજૂર થયેલી ફી કરતા વધુ રકમની માંગણી કરે, તો વાલીઓ સીધા શિક્ષણ વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ કરી શકશે. આ ડિજિટલ ડેટાના આધારે ગેરરીતિ આચરતા શાળા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી હવે સરકાર માટે વધુ સરળ બનશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button