
અમદાવાદ: આજે ભારતીય સંકૃતિના સૌથી મહત્વના તહેવારમાંના એક દિવાળીનો તહેવાર છે. આ તહેવારની ઉજવણી ભારત ઉપરાંત દુનિયાના દરેક દેશમાં વસતા ભારતીયો કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી લખ્યું, “દરેક દેશવાસીને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ અને સૌહાર્દ ફેલાવે એવી મારી પ્રાર્થના છે.”
વડાપ્રધાન ઉપરાંત ઘણા અગ્રણી નેતાઓએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દિવાળીની શુભકામના પાઠવતા લખ્યું, “દિવાળી અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે, દેશભરમાં ઉજવવામાં આવતો આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે. હું આશા રાખું છું કે સૌ પર્યાવરણની સંભાળ રાખીને સુરક્ષિત રહીને દિવાળી ઉજવે.”
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવતા X પર લખ્યું, “પ્રકાશ અને આનંદના તહેવાર, દિવાળીની સૌને હાર્દિક શુભકામનાઓ. દરેકના સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું.”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું, “દિવાળીના શુભ અવસર પર મારા બધા દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ભારત આનંદના દીવાઓથી પ્રકાશિત રહે, દરેક ઘરમાં ખુશી, સમૃદ્ધિ અને પ્રેમનો પ્રકાશ ફેલાય તેવી આશા.”
सभी देशवासियों को दीपावली के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025
खुशियों के दीपों से भारत रोशन हो उठे, हर आंगन में सुख, समृद्धि और मोहब्बत का उजाला फैले। pic.twitter.com/aGvT9BeO1A
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દિવાળીની શુભકામના પાઠવતા X પર લખ્યું, “અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક, આનંદ-ઉલ્લાસના પર્વ દીપાવલીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ સૌના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને સૌના મનમાં હકારાત્મકતાનો દિવ્ય પ્રકાશ સદૈવ પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના.”