વસ્ત્રાલમાં આતંક મચાવનારા 13ની ધરપકડ; આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. ગત મોડી રાત્રિએ રામોલ પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો.
લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો લઈને લુખ્ખા તત્વોએ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પર હુમલો કર્યો હતો તેમજ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં 8 લોકોનાં નામજોગ તેમજ અન્ય 12 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક
ગત રાત્રિએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, જેના દ્રશ્યો જોઇએ અમદાવાદ શહેર પોલીસની કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્ન ખડા કર્યા હતા.
આપણ વાંચો: વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો પરથી લગાવી મોતની છલાંગ
પોલીસ ફરિયાદ અનુસાર રામોલ પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારનાં મહાદેવ એમ્પીરીયલ, આર.ટી.ઓ.રોડ આગળ જાહેર માર્ગ પર અમુક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જે ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડીયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.
રાહદારી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો
પોલીસ ફરિયાદ અનુસાર ગત રાત્રિએ પંકજ, ખાટુ, ગોવિંદ, આશિલ, વિશેષ, રવિ, મયુર શ્યામ કામ્બલે વગેરેએ તથા તેમની સાથેનાં અન્ય બારેક જેટલા અસામાજિક તત્વોએ લાકડાનાં દંડા, તલવાર તથા ચપ્પુ તથા પાઈપ જેવા હથિયારે સાથે રોડ ઉપર ઉભા રહીને આવતા જતા રાહદારીઓને રોકી તેમનાં વાહનમાં નુકસાન કરતા હતા. આરોપીઓએ ફરિયાદીની ગાડી આગળનો કાચ તોડી નાખ્યો હતો જો કે રાહદારીપએ આવું નહીં કરવા સમજાવતા બે રાહદારી પર તલવારથી હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા.
અંગત અદાવતના કારણે બની ઘટના
પોલીસ તપાસમાં પંકજ ભાવસાર ગેંગના સભ્યોએ તોડફોડ કર્યાનું ખૂલ્યું હતું. આ ઘટનાએ ફરી એકવખત અમદાવાદ પોલીસની કામગિરી અને શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કરી દીધા હતા. આ ઘટના અંગે રામોલ પોલીસે આતંક મચાવનારા 13 લુખ્ખાઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ શહેર પોલીસનાં જણાવ્યા અનુસાર આ ઘટના અંગત અદાવતના કારણે બની હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.