નવરાત્રી પર મોરલ પોલિસીંગ નહીં કરી શકોઃ જાણો સિટી પોલિસની નવી SoPમાં શું છે | મુંબઈ સમાચાર
અમદાવાદ

નવરાત્રી પર મોરલ પોલિસીંગ નહીં કરી શકોઃ જાણો સિટી પોલિસની નવી SoPમાં શું છે

અમદાવાદ: ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાનો સૌથી મોટો પર્વ એટલે નવરાત્રી. જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતીઓમાં ઉત્સાહ વધતો જાય છે. આગામી 22 સમ્ટેમ્બરથી આ પર્વની શરૂઆત થવા જઈ રહી છે. આ પર્વ દરમિયાન અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 30 મુદ્દાઓની કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નિર્દેશોનો હેતુ સુરક્ષા અને ભીડનું સંચાલન કરવાનો છે.

આગામી નવરાત્રીની SoP ને લઈ પોલીસ સૂત્રોએ જાણવ્યું કે, આ વખતે શાંતિ ભંગ કરનારા અથવા મોરલ પોલીસીંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ગાઈડલાઈન્સ ગરબા સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આયોજકોને જવાબદાર બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસને 1 સપ્ટેમ્બર સુધીમાં 94 ગરબા ઈવેન્ટ્સની અરજીઓ મળી છે, જેમાંથી 88ને મંજૂરી આપવામાં આવી છે. ગરબા સ્થળોએ પુરુષો અને મહિલાઓ માટે અલગ પ્રવેશદ્વાર, મેટલ ડિટેક્ટર અને સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા ફરજિયાત છે. ભીડને નિયંત્રિત કરવા બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા રાખવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગરબા ઈવેન્ટ્સ માટે સાઉન્ડ સિસ્ટમ સાથે રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ છે, જ્યારે અન્ય દિવસોમાં રાત્રે 10 વાગ્યે ઈવેન્ટ સમાપ્ત કરવું પડશે નિયમ છે.

ગાઈડલાઈન્સમાં ડ્રેસ કોડને લઈ કોઈ પણ ટીપ્પણી કરવામાં આવી નથી. પરંતુ ગાઈડલાઈન્સમાં 21માં મુદ્દામાં દાંડિયા-રાસમાં ભાગ લેનારાઓને પારદર્શક કપડાં ટાળવાની સલાહ આપવામાં આવી છે, જેથી ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાય રહે. જ્યારે મુદ્દા નંબર 29માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય અથવા વિભાજનકારી પ્રવૃત્તિ, ઉશ્કેરણીજનક ભાષણો કે પોસ્ટર્સને ગરબા સ્થળો પર સ્થાન નહીં હોય. આ નિયમોનો હેતુ સામાજિક એકતા અને શાંતિ જાળવવાનો છે.

આયોજકોએ ગરબા સ્થળથી દૂર સુરક્ષિત પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે અને ભીડ માટે બેરિકેડિંગ કરવું ફરજિયાત છે. દરેક સ્થળે એચડી સીસીટીવી કેમેરા ફરજિયાત છે, અને રેકોર્ડિંગ્સ પોલીસને જરૂર પડે ત્યારે સોંપવાના રહેશે. વાહનોના માલિકો અને ડ્રાઇવરોની વિગતો નોંધવી પણ જરૂરી છે. વીજળીના સલામતી નિયમો, જેમ કે એમસીબી/મિલ્બ સ્વીચ અને સ્થળ પર મેન્ટેનન્સ સ્ટાફની હાજરી, અનિવાર્ય છે. દરેક સ્થળે એક કટોકટી દ્વાર અને એમ્બ્યુલન્સ તૈનાત હોવી જોઈએ, તેમજ 24 કલાક કાર્યરત વૉચટાવર જરૂરી છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગરબા દરમિયાન શાંતિ જાળવવી એ તેમની પ્રાથમિકતા છે. આયોજકોને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની રહેશે. આ ગાઈડલાઈન્સનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્દેશોનો હેતુ નવરાત્રીના ઉત્સવને સુરક્ષિત, આનંદદાયક રીતે પૂર્ણ બનાવવાનો છે, જેથી શહેરના નાગરિકો આ પર્વને શાંતિપૂર્ણ રીતે માણી શકે.

આ પણ વાંચો…આ વખતે ગુજરાતીઓની ‘નવરાત્રી’ કેવી રહેશે, જાણી લો હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button