અરે બાપરે…આટલી દવાઓ વેચાય છે ગેરકાયદેઃ સરકારના સર્ચ ઑપરેશનમાં થયા સેંકડો કેસ

અમદાવાદ: ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બુધવારે, 9 જુલાઈના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિતના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અભિયાનનો હેતુ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને પ્રોત્સાહન આપે છે.
મેગા સર્ચ ઓપરેશન
ગુજરાત પોલીસે, સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને આ વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન અમદાવાદમાં 724 મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવી હતી, જેમાં એક NDPS એક્ટ હેઠળનો કેસ સહિત 160 કેસ નોંધાયામાં આવ્યા હતા. જ્યારે સુરતમાં 333 સ્ટોર્સની તપાસ દરમિયાન 95થી વધુ કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ જપ્ત કરાઈ હતી. તો આ બાજુ વલસાડમાં 282 સ્ટોર્સની તપાસમાં 45 કેસ, જેમાં એક NDPS કેસનો નોંધાયો હતો.
આ અભિયાનમાં એમીડોપાયરીન, ફેનાસેટીન, નીયલામાઈડ, કલોરામ્ફેનીકોલ, ફ્યુરાઝોલીડોન, ઓક્સિફેનબુટાઝોન અને મેટ્રોનીડાઝોલ જેવી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી હોવાનું જણાયું હતું. આવી દવાઓનું ગેરકાયદે વેચાણ યુવાનોમાં નશાની લત અને આરોગ્યને નુકસાન પહોંચાડે છે. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીકના સ્ટોર્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગનું જોખમ વધુ હોય છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત અને વલસાડ ઉપરાંત, પાટણમાં 61, નવસારીમાં 184, જામનગરમાં 66, ભરૂચમાં 258, આહવા ડાંગમાં 23, દાહોદમાં 129, પંચમહાલમાં 112 અને ગાંધીનગરમાં 317 મેડિકલ સ્ટોર્સની તપાસ હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નશાકારક દવાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત કરી હતી. આ ઓપરેશનથી રાજ્યમાં નશાની સમસ્યાને નાથવામાં મદદ મળશે.