પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, ઘાયલોને મળ્યા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી

અમદાવાદઃ ગુજરાત માટે કાલનો દિવસ કાળમુખો હતો. કાલે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 241 મુસાફરો સહિત 265 લોકોના મોત થયા હોવાનું પુષ્ટિ કરવામાં આવી છે. આ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ પહોંચી ગયા છે. પહેલા તેમણે આ પ્લેન ક્રેશ થયું તે સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે ઘાયલો અને મૃતકોના સંબંધીઓને મળ્યા અને તેમને સાંત્વના આપી હતી.
આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે, ‘ આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.
પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા અને પછી સિવિલ ગયા પીએમ મોદી
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન સીઆર પાટિલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સાંગવી અને કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ જોડાયા હતા. આ ઉપરાંત ઘણા અધિકારીઓ પણ તેમની સાથે જોવા મળ્યા હતા. અધિકારીઓએ પીએમને દરેક ઘટના વિશે માહિતી આપતા વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. પીએમ મોદીએ અધિકારીઓ સાથે આ સમગ્ર ઘટના અંગે સમીક્ષા બેઠક કરી છે.
સમીક્ષા બેઠકમાં નરેન્દ્ર મોદી સાથે આ લોકો પણ હાજર રહ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાગરિક અને ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ, કેન્દ્રીય પ્રધાન સીઆર પાટિલ બેઠકમાં હાજર રહ્યા હતા. વડા પ્રધાને પહેલા સ્થળ મુકાલાત લીધી અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પરંતુ મૃતકોના સંબંધીઓને મળીને તેમને પણ સાંત્વના આપી હતી.
અમિત શાહ પણ સૌપ્રથમ ઘટનાસ્થળે ગયા હતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગઈ કાલે ગુરુવારે સાંજે અમદાવાદ આવી ગયા હતા. અમિત શાહે પણ સૌપ્રથમ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉડ્ડયન પ્રધાન પણ હાજર હતા. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ અમિત શાહે કહ્યું હતું કે, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ મૃતકોની ઓળખ થઈ શકશે.
આ પણ વાંચો…પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા, સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળશે, ઘટના સ્થળની મુલાકાત લેશે