પીએમ મોદીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની કેમ કરવામાં આવી અટકાયત? જાણો…

અમદાવાદઃ વડા પ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમનો આ પ્રવાસ અનેક રીતે ખાસ માનવામાં આવે છે. તેમજ નિકોલમાં જનસભા પાછળ પણ એક રાજકીય ગણિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ-શો કરશે.
આ પછી તેઓ એક સભા કરશે, જેમાં રૂ. 5477 કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને કારણે સમગ્ર નિકોલ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કેમ કરવામાં આવી અટકાયત
જોકે, મોદીની સભા પહેલાં જ અમદાવાદ પોલીસે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ખરાબ રસ્તાઓ અને ‘વોટચોરી’ના મુદ્દે કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરવાનો કોંગ્રેસનો ઇરાદો હતો, પરંતુ પોલીસે આ પહેલાં જ કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક અને અન્ય નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. જેમને વડા પ્રધાન મોદીની સભા બાદ જ મુક્ત કરવામાં આવશે.
પાટીદારોના ગઢમાં પીએમ મોદીના રોડ શો અને સભાનું શું છે કારણ
અમદાવાદમાં ડિસેમ્બર કે જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. છેલ્લા ઘણા સમયથી પૂર્વ અમદાવાદના લોકો સરકારી કામકાજથી ખુશ નથી.ખાસ કરીને નિકોલ વિસ્તારમાં આ નારાજગી વધુ જોવા મળે છે. ત્યાંના રસ્તાઓ જાણે ગામડાના રસ્તા હોય તેવી સ્થિતિ છે.
આ ઉપરાંત ગટર ઉભરાવી અને પાણી ભરાવાની પણ સમસ્યા છે. આ બધાને કારણે ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યોને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે. એવું માનવામાં આવે છે કે આ નારાજગીને લીધે આવનારી ચૂંટણીમાં ભાજપને નિકોલમાં મોટું નુકસાન થઈ શકે છે.
આ નુકસાન અટકાવવા અને મતદારોને ફરીથી જીતવા માટે પીએમ મોદીની સભા નિકોલમાં રાખવામાં આવી છે. આ સભાથી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્ક્રોઈ જેવી બેઠકો પર પણ ભાજપને ફાયદો થવાની શક્યતા છે.
આ પણ વાંચો…પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે