વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ: પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા સરકારની નવી પહેલ, 13 ધાર્મિક સ્થળોએ 30 બેગ વેન્ડીંગ મશીન મૂકાયા

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબર વોર્મિગને કારણે માણસ સહિત ઋતુ ચક્ર પણ પ્રભાવિત થયું છે. આ જ મુખ્ય કારણે છે કે આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. પર્યાવરણનો સૌથી મોટો દુશ્મન પ્લાસ્ટિક ગણાય છે. વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની નિર્ભરતા ઘટાડવા માટે દર વર્ષે 3 જુલાઈને વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે. પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે રાજ્ય સરકારે નવીન પગલા લીધા છે, જેમાં બેગ એટીએમ મશીનોનું સ્થાપન મુખ્ય છે. આ પહેલે લોકોમાં જાગૃતિ વધારી છે, અને માત્ર 200 દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
મુખ્ય નિર્ણયો અને પગલા
ગુજરાત સરકારે ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા 5 જૂન, 2025ના વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે 260 નવા બેગ વેન્ડિંગ મશીનોનું ઉદ્ઘાટન કર્યું. આ મશીનો દ્વારા 20,000થી વધુ કાપડની થેલીઓનું વિતરણ થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 13 મુખ્ય મંદિરો, જેમ કે અંબાજી, સોમનાથ, દ્વારકા અને શામળાજી, ખાતે 30 મશીનો મૂકવામાં આવ્યા છે. જેનાથી શ્રદ્ધાળુઓને પ્રસાદ માટે કાપડની થેલી મળે છે.
આ મશીનોમાં 5 કે 10 રૂપિયાનો સિક્કો અથવા QR કોડ સ્કેન કરીને કાપડની થેલી મેળવી શકાય છે. આ થેલીઓ મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગો પાસેથી ખરીદવામાં આવે છે. જેનાથી મહિલાઓને રોજગારી મળી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ પહેલ શરૂ કરવામાં આવી છે. જે પર્યાવરણ સાથે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે.
અમદાવાદ અને સુરતના બજારો, યાત્રાધામો, હોસ્પિટલો અને જાહેર બગીચાઓમાં પણ આવા મશીનો સ્થાપિત થયા છે. અમદાવાદની 20 હોસ્પિટલોમાં પેપર બેગ વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, ‘પ્રતિજ્ઞા લાઇવ ડેશબોર્ડ’ (https://pwm.gpcb.gov.in:8443) દ્વારા બેગ વિતરણની રિયલ-ટાઇમ માહિતી ઉપલબ્ધ છે. જે આ પહેલની સફળતાને દર્શાવે છે.
આ પણ વાંચો…ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સચિવાલયમાં પ્લાસ્ટિકને બદલે કાચની બોટલમાં પાણી મળશે