અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા | મુંબઈ સમાચાર

અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે એર ઈન્ડિયાનું વિમાન AI171, જે લંડન ગેટવિક જઈ રહ્યું હતું, IGP કમ્પાઉન્ડ નજીક અતુલ્યમ હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનાએ શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે, કારણ કે ક્રેશ સ્થળે આવેલી હોસ્ટેલમાં રહેતા અનેક ઈન્ટર્ન ડોક્ટરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાએ 1988ની ભયંકર વિમાન દુર્ઘટનાની યાદો તાજી કરી છે, જેમાં 133 લોકોના જીવ ગયા હતા.

એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર, રજિસ્ટ્રેશન VT-ANB, 242 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સાથે ટેકઓફ બાદ થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું. વિમાન 191 મીટરની ઊંચાઈએ 322 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું હતું જ્યારે તેણે ‘મેડે કોલ’ જારી કર્યો. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન અતુલ્યમ હોસ્ટેલની ઈમારત સાથે અથડાયું, જેના કારણે તીવ્ર આગ ફાટી નીકળી અને આસપાસની કેટલીક કારો પણ સળગી ગઈ. સૂત્રોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં 60 મૃતદેહો પહોંચાડવામાં આવ્યા છે, જેમાં મોટા ભાગના ઈન્ટર્ન ડોક્ટરો હોવાનું માનવામાં આવે છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 7 ગાડીઓ, BSF, અને NDRFની 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અમદાવાદ પોલીસે જણાવ્યું કે, “વિમાન હોસ્ટેલની ઈમારત પર ક્રેશ થયું, અને 2-3 મિનિટમાં તમામ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. લગભગ 70-80 ટકા વિસ્તાર સાફ કરવામાં આવ્યો છે.” સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે, અને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દુર્ઘટનાએ ઈન્ટર્ન ડોક્ટરોના પરિવારોમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. અતુલ્યમ હોસ્ટેલ, જ્યાં મેડિકલ ઈન્ટર્ન્સ રહેતા હતા, તે આ ઘટનામાં સૌથી વધુ અસરગ્રસ્ત થઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બચાવ અને સારવારની સૂચનાઓ આપી, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. ડીજીસીએ અને AAIBએ તપાસ શરૂ કરી છે, પરંતુ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો…Plane Crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિકો સવાર હતાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button