અમદાવાદટોપ ન્યૂઝ

પહેલગામ હુમલોઃ સુરત-ભાવનગર હીબકે ચડ્યું, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

અમદાવાદઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ હતા. ભાવનગરના બંને મૃતકો બાપ-દીકરો હતા. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને બુધવારે રાત્રે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં સાંસદ મુકેશ દલાલ પણ જોડાયા હતા. શૈલેષ કળથિયાના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બની ગયો હતો.

મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી આર પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી હતી અને ન્યાયની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. વીઆઈપી માટે જે સર્વિસ છે તે આ લોકો માટે કેમ નથી. આર્મી કેમ્પમાં કહેતી હતી કે ઉપર અનેક લોકો ઈજાગ્રસ્ત છે છતાં સમયસર કોઈ મદદ કરી નહોતી. ઉપર આટલી મોટી ઘટના બની તો નીચે આર્મીને ખબર કેમ ન પડી?

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહને જોતા જ મૃતક યતીશભાઈ પરમારના પત્ની અને મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button