
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 3 વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્સને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, 400થી વધુ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે 457 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસતા હોવાની આધારભૂત માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યુ હતું. નાઈટ કોમ્બિંગ કરી ઘર તપાસી ગેરકાયદે વસવાટ કરતા લોકોની અટકાયત કરી મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરી બધાનાં નિવેદન લેવામાં આવ્યા હતી.
સુરત શહેરમાં 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેર પોલીસે તમામને રિંગ રોડ ખાતે ભેગા કરીને ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. સુરત શહેર પોલીસે છ ટીમો બનાવીને, ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિત શહેરના ઘણા વિસ્તારોમાંથી 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. હાલમાં પોલીસ બધાની પૂછપરછ કરવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. આ લોકોએ આધાર કાર્ડ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
ગેરકાયદેસર પશ્ચિમ બંગાળની બોર્ડર ક્રોસ કરીને નાગરિકો પ્રવેશ્યા હતા. બાંગ્લાદેશીઓ હાવડા પહોંચી સુરત આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે રૂપિયા 15 હજાર આપી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી હતી. બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળમાં ઘૂસ્યા હતા. શહેર પોલીસે તમામનું ક્રોસ વેરિફિકેશન ચેકીંગ હાથ ધર્યું છે. ડિટેન કરાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની લાલ આંખઃ કડક કાર્યવાહીનો આદેશ