ગુજરાતમાં 40 હજારથી વધુ સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 શાળાને જ A પ્લસ ગ્રેડ મળ્યો

અમદાવાદઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશન 2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુણોત્સવ 2.0માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40,289 સરકારી શાળામાંથી માત્ર 524 સ્કૂલોને જ એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો હતો. પરંતુ જીસીઈઆરટીના સતત મોનિટરિંગના પગલે એક વર્ષમાં એ પ્લસ અને એ ગ્રેડમાં સ્કૂલોની સંખ્યા 2971થી વધી 6388 પર પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ એ ગ્રેડમાં 64 ટકાનો વધારો થયો હતો. ગત વર્ષે એ ગ્રેડમાં 1616 શાળાઓ હતી, જે આ વર્ષે વધીને 4442 થઈ હતી.
રાજ્યની સરકારી સ્કૂલોની ગુણવત્તા ચકાસવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુણોત્સવ લાગુ કર્યાના 10 વર્ષ પછી મૂલ્યાંકનના નવા ફેરફાર સાથે ગુણોત્સવ 2.0 લોન્ચ કરવામાં આવ્યો હતો. ગુણોત્સવ 2.0ના પ્રથમ વર્ષે ગુજરાતમાં એ ગ્રેડ ધરાવતી સ્કૂલોની સંખ્યા માત્ર 14 હતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોનિટરિંગ અને નવી પદ્ધતિઓના મૂલ્યાંકનના લીધે સ્કૂલોમાં ગુણવત્તા વધી હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ચાલુ વર્ષે જાહેર થયેલા પરિણામ મુજબ, રાજ્યની 40,289 સ્કૂલોમાંથી એ પ્લસ ગ્રેડમાં માત્ર 524 સ્કૂલો આવી છે. જે ગત વર્ષની સરખામણીએ 111નો વધારો થયો છે. ગત વર્ષે એ પ્લસ ગ્રેડમાં 413 સ્કૂલો હતી.
એ પ્લસ ગ્રેડમાં આવેલી સ્કૂલમાં પ્રાથમિક અને આશ્રય શાળાઓની સંખ્યા 383 છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા 141 હતી. એ ગ્રેડમાં 4442 પ્રાથમિક શાળા અને 1422 હાઈસ્કૂલ, બી ગ્રેડમાં 26982 પ્રાથમિક શાળા અને 4966 હાઈસ્કૂલ, સી ગ્રેડમાં 1327 પ્રાથમિક શાળા અને 530 માધ્યમિક શાળા, ડી ગ્રેડમાં 102 પ્રાથમિક શાળા અને 3 હાઈસ્કૂલનો સમાવેશ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સ્કૂલોનું સ્કૂલ ઈન્સ્પેક્ટરના માધ્યમથી બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે કરેલા ફેરફાર મુજબ 33 ટકા સ્કૂલોનું જ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ વખતે તમામ સ્કૂલોને સ્વમૂલ્યાંકનની તક આપવામાં આવી હતી.
આ પણ વાંચો…એક બાજુ ઑલિમ્પિક યોજવાની વાત ને બીજી બાજુ રાજ્યની સ્કૂલોમાં મેદાન જ નહીં…