
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસુ ફળદાયી રહેશે તેવી સંભાવનાઓ છે. કારણે કે, શરૂઆતના માત્ર 10 દિવસમાં 25 ટકા વરસાદ વરસી ગયો છે, અને હજી તો ચામાસુ ઘણું બાકી છે. ગુજરાતમાં વરસાદ પહેલા જે પ્રિ-મોન્સુની કામગીરી કરવાની હોય છે તેમાં તંત્રની પોલ ખુલી ગઈ છે, અને કામગીરીના તમામ દાવાઓ પોકળ સાબિત થયાં છે. ખાસ કરીને અમદાવાદમાં ગઈ કાલે જે વરસાદ પડ્યો તેમાં અનેક વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળ્યાં હતાં.
25મી જૂને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં 1 થી 5 ઈંચ વરસાદ ખાબક્યો
સુરતમાં પણ વરસાદે ધૂમ મચાવી હતી. વરસાદના કારણે સુરતની હાલત ખૂબ જ ખરાબ હતી. કારણે કે, વરસાદના પાણી, સોસાયટી, દુકાન, ઘર અને રસ્તા પર ફરી વળ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી સુરત બેટમાં ફેરવાઈ ગયું છે. સુરતમાં રહેતા લાખો લોકોને પાણીના કારણે પરેશાન થવું પડ્યું હતું. 23 અને 24 જૂને સુરત શહેરની હાલત ખરાબ કર્યાં બાદ 25મી જૂને અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સાંજે 7 થી રાત્રે 10 વાગ્યાના અરસામાં 1 થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વસ્ત્રાલ, મણિનગર, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં લોકો પરેશાન થયા હતાં.
ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી?
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નર્મદા, નવસારી, વલસાડ, સાબરકાંઠા, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી વાદળાઓ જોવા મળ્યાં છે. અમદાવાદમાં પણ રાત્રે વરસાદ આવ્યો અને સવારે મેઘે મંડાણ માંડ્યાં હતાં.
આ પણ વાંચો…અમદાવાદમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન