
અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ થયો હતો. આજે પણ શહેરમાં વરસાદી વાદળો જોવા મળ્યાં છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાતના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ ગુજરાતના 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાની સંભાવનાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈ કાલે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાના સુબીર ખાતે સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે તાપી જિલ્લાના ડોલવણમાં 2.75 ઇંચ વરસાદ થયો હતો.
તાપી અને ડાંગ જેવા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ખાસ કરીને અમદાવાદના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. લોકોને સલામત રહેવા અને જરૂરી સાવચેતીઓ રાખવા અનુરોધ છે. આ સાથે સાથે દરિયાકાંઠા આવેલા જિલ્લાના માછીમારોને અત્યારે દરિયો ખેડવા ના જવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ