
અમદાવાદ/નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું, આતંક સામે ભારતનું ઓપરેશન સિંદૂર, ભારત માતા કી જય.
ઓવૈસીએ શું લખ્યું?
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર આપણા દળો દ્વારા કરવામાં આવેલા હુમલાનું સ્વાગત કરું છું. પાકિસ્તાનને કડક પાઠ ભણાવવો જોઈએ જેથી બીજી પહલગામ ઘટના ફરી ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જ જોઇએ. જય હિન્દ!
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એકસ પર લખ્યું, જય હિન્દ, જય હિન્દ કી સેના.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપતાં લખ્યું, પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદના તમામ સ્ત્રોતનો સંપૂર્ણ સફાયો કરવો જોઈએ. આ નીતિ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતથી પ્રરિત હોવી જોઈએ.
ઓપરેશન સિંદૂર પર, ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું, આજે ભારતે પોતાની તાકાત બતાવી છે. હું તમામ લશ્કરી કર્મચારીઓને સલામ કરું છું અને સરકારનો પણ આભાર માનું છું. હું વડા પ્રધાનનો આભાર માનું છું કારણ કે તેમણે દેશના લોકોની લાગણીઓને સમજી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. અમે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખીશું. સિંદૂર આપણી સંસ્કૃતિમાં એક ખાસ સ્થાન ધરાવે છે, તે પરિણીત મહિલાઓના અખંડ સૌભાગ્યની નિશાની છે, પરંતુ પહલગામમાં તેમાંથી ઘણીએ તેને ગુમાવી દીધું હતું. આજે ઓપરેશન સિંદૂર દ્વારા તેનો બદલો લીધો છે.
કોંગ્રેસ નેતા અજય રાયે કહ્યું, હું સેનાને અભિનંદન આપવા માંગુ છું. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના મળી હશે. દેશની સાથે અમે પણ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આપણે હમણાં જ બતાવ્યું કે આપણી પાસે રાફેલ જેવી શક્તિ છે.
આ પણ વાંચો…Operation Sindoor: ભારતના હુમલા પછી પાકિસ્તાન એલર્ટ, અમેરિકાએ આપી પ્રતિક્રિયા