અમદાવાદ

ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી?

રાજકોટઃ પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત અનેક રાજનેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.

શું બોલ્યા વિજય રૂપાણી

ઓપરેશન સિંદૂર અંગે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, ભારત માટે આજે ગૌરવનો દિવસ છે. પહલગામમાં પત્નીની સામે એમના પતિની હત્યા કરી એટલે એનો બદલો લેવા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. આતંકીઓના 9 અડ્ડાને ઉડાવી દીધા છે. ભારતના વડા પ્રધાન 56ની છાતી વાળા છે. અગાઉની સરકારમાં તાજ હોટલ પર હુમલો થયો તો પણ એ સરકારે બદલાની કોઈ વાત કરી નહોતી, એટલે એમની હિંમત વધી ગઈ હતી. આ વખતે હુમલા પછી સરકાર એક્શનમાં આવી છે. વડા પ્રધાને પોતાનો પ્રવાસ ટૂંકાવી એરપોર્ટ પર અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. લોકોને વિશ્વાસ પણ હતો કે વડા પ્રધાન બદલો લેશે અને તેમણે બદલો લીધો પણ ખરો.

જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ એર સ્ટ્રાઈક પર આપ્યું નિવેદન

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ એર સ્ટ્રાઈક પર નિવેદન આપતાં કહ્યું, આપણું સાચા અર્થમાં ખૂબ મહાન રાષ્ટ્ર છે. તે દુનિયાને બતાવવા બદલ વિશ્વભરમાં રહેલા તમામ ખરા જાડેજાઓ વતિ વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આપના નેતૃત્વમાં શૂરવીરોની વીરતા અને ચતુરાઈ તેમજ અદભુત શસ્ત્રો સાથેની પ્રશંસનીય તાલીમ દ્વારા સમગ્ર વિશ્વએ ભારતની અતુલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે. ભારતીય સેનાને ખૂબ શાબાશી.

કોંગ્રેસ હવે એર સ્ટ્રાઈકના પુરાવા નહીં માંગેઃ કુમાર કાનાણી

સુરતથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ એર સ્ટ્રાઈક પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, કોંગ્રેસ હવે એરસ્ટ્રાઈક ના પુરાવા નહીં માંગે. ૯ સ્થળો પર એક સાથે એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. પાકિસ્તાનનો સફાયો જરૂરી છે.

સિંદૂર હિન્દુ સંસ્કૃતિની સભ્યતાનું પ્રતીકઃ ડો. દર્શિતા શાહ

ઓપરેશન સિંદૂરને લઈને રાજકોટના ધારાસભ્ય ડો દર્શિતા શાહે નિવેદન આપતાં કહ્યું, આતંકવાદીઓએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેની સજા આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના નવ જેટલા અડ્ડાઓનું પર હુમલો કરવામાં આવ્યો છે. લોકોના નામ અને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી તેનો બદલો લેવામાં આવ્યો છે. વડા પ્રધાને કહ્યું હતું કે એક પણ આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં તે કરી બતાવ્યું છે. ઓપરેશન સિંદૂરના માધ્યમથી આ આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે. સિંદૂર હિન્દુ સંસ્કૃતિની સભ્યતાનું પ્રતીક છે, મહિલાઓ માટે સિંદૂરનું ખૂબ મહત્ત્વ છે એવામાં ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. જો આતંકવાદીઓ ફરી હુમલા કરશે તો તેમની વિરુદ્ધ આ જ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. આજનું ભારત એ નવું ભારત છે અને વિકસિત ભારત છે, ગમે તેવા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપશે. ગઈકાલે મોક ડ્રીલની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાન મોક ડ્રીલના ભ્રમમાં હતું. પરંતુ મોડી રાત્રે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો….Operation Sindoor: દેશની સેના પર અમને ગર્વ છેઃ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button