શિક્ષકોને એસઆઈઆરના કામમાંથી મુક્તિ આપવાની માગણી સાથે એનએસયુઆઈનું આંદોલન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લીધે શિક્ષકો પર કામનું ભારણ વધવાથી ચાર મોત થઈ ચૂક્યા છે. કામના ભારણને લીધે સૌરાષ્ટ્રના એક શિક્ષકે આત્મહત્યા કરી છે જ્યારે ત્રણ શિક્ષકોના તબિયત લથડવાને લીધે હૃદયરોગના હુમલાથી મોત થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સાથે મોટા ભાગના બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) કામમાં પડતી તકલીફ, વિદ્યાર્થીઓના શિક્ષણને થતા નુકસાન અને તેમની સાથે કરવામાં આવતા ગેરવ્યવહારની ફરિયાદો કરી રહ્યા છે ત્યારે એનએસયુઆઈ દ્વારા રાકજોટ ખાતે કોટેચા ચોકમાં રસ્તો રોકો આંદોલન કરવામા આવ્યો હતું અને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી હતી.
રાજકોટ ખાતે શનિવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના વિવિધ કાર્યક્રમો હતા ત્યારે એનએસયુઆઈએ આંદોલન છેડતા થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. દરમિયાન એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી બેભાન થઈ ઢળી પડ્યા હતા. પોલીસે લગભગ 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી તેમને વિખેર્યા હતા.
આપણ વાંચો: વિકૃત માનસિકતાઃ વિજાપુરમાં 8 વર્ષની બાળકીને બગીચામાં લઈ જઈ છેડતી, ઇન્જેક્શન આપી ધમકીથી ડરાવી!



