નવરાત્રિમાં લુખા તત્વોને અટકાવવા પોલીસનો એક્શન પ્લાન, સિવિલ ડ્રેસમાં she ટીમ રહેશે તૈનાત

અમદાવાદ: ગુજરાતનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે. ઠેર ઠેર નવરાત્રિને ગરબાની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ગરબા આયોજનની મંજૂરીથી લઈ સુરક્ષા સુધીની તમામ વસ્તુ પર ભાર મુકવામાં આવ્યો છે.
નવરાત્રિના આ રમઝટભર્યા તહેવારમાં મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફુલપ્રૂફ એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ગરબા ગ્રાઉન્ડ પર કોઈપણ યુવતીને અશ્લીલતાનો સામનો ન કરવો પડે. રોમિયો જેવા તત્વોને દૂર રાખવા માટે પાર્કિંગ અને અંધારાપટ્ટ વિસ્તારોમાં લાઈટિંગ ફરજિયાત કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. જેનાથી આ તહેવાર વધુ જ સુરક્ષિત બનાવી શકાય.
આપણ વાંચો: નવરાત્રિને કારણે આ રોડ પર રાત્રે વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદમાં નવરાત્રિના આયોજન માટે 61 ગરબા આયોજકોએ પોલીસમાં અરજીઓ આપી છે, જે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારા તહેવાર માટે મહત્વપૂર્ણ છે. આ અરજીઓને સંબંધિત પોલીસ સ્ટેશન અને ટ્રાફિક વિભાગને મોકલવામાં આવી છે, અને તેમના અભિપ્રાય પછી જ ફાયર એનઓસી જાહેર થશે. હાલ કોઈને પણ મંજૂરી મળી નથી.
મહિલા સુરક્ષા માટે SHE ટીમની તૈનાત
મહિલાઓની રક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી SHE ટીમ ગરબા દરમિયાન સિવિલ ડ્રેસમાં રહીને શંકાસ્પદ લૂખાતત્વો પર નજર રાખશે. જેથી કોઈપણ પ્રકારની છેડતી અટકાવી શકાય. અમદાવાદના પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ પર આ ટીમની હાજરીથી યુવતીઓ વધુ આત્મવિશ્વાસથી ખુલી ગરબાની મજા માણી શકશે અને અસમાજિક તત્વો પર લગામ લગાડી શકાશે.
આપણ વાંચો: ‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…
ઉલ્લેખનીય છે કે ગરબા આયોજકો દ્વારા મળેલી અરજી પૈકી 8 અરજી પર ફાયર બ્રિગેડે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેમાં સ્થળ તપાસ પછી એનઓસી આપવામાં આવશે, અને તહેવારથી ત્રણ દિવસ પહેલા અરજી કરવાની સૂચના આપવામાં આવી છે. આયોજકોએ ઓનલાઇન અરજી કરીને દસ્તાવેજો જમા કરાવવા પડશે, અને પોલીસ તેમજ અન્ય વિભાગોના NOC વિના કોઈ ગરબા શરૂ નહીં થાય. આ ઉપરાંત, બે ઇમર્જન્સી ગેટ રાખવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં 4,000થી વધુ સ્થળોએ ગરબા યોજાશે, અને પોલીસની આ વ્યવસ્થાથી કોઈપણ અડચણ વિના તહેવાર ઉજવાશે. અમદાવાદમાં વિશેષ સુરક્ષા બંદોબસ્તથી શહેરીયાઓને વધુ આરામ મળશે, અને આખી રાતના નાચગાનમાં કોઈ ચિંતા નહીં રહે. આ તૈયારીઓથી નવરાત્રિ માત્ર ધાર્મિક તહેવાર નહીં, પરંતુ સુરક્ષિત ઉત્સવનું પ્રતીક બનશે.