નડિયાદ-કપડવંજ હાઈવે બે આખલા યુદ્ધે ચડ્યા, રખડતા ઢોર પકડવામાં તંત્ર નિષ્ફળ

નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલા બિલોદરા ગેટ નજીક મુખ્ય હાઇવે પર બે બળદ અચાનક લડવા લાગ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બંને બળદ રસ્તાની વચ્ચે જ ઝગડવા લાગ્યાં હતાં. જેના કારણે રસ્તા સંપૂર્ણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ લોકો ડરથી પોતાના વાહનો રોકવા લાગ્યા હતો. લોકોનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ કે વાહન આ બળદો અથડાયા હોત તો ગંભીર અકસ્માત થઈ શક્યો હોત! જોકે, કોઈ જાનહાનિ થઈ હતી.
અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ પોતાના વાહનો રોકવા પડ્યા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બળદ વચ્ચેની લડાઈ એટલી ગંભીર હતી કે નજીકના લોકો દૂર ખસી ગયા હતા. એટલું જ નહીં પરંતુ મોટો અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ પોતાના વાહનો રોકવા પડ્યા હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. નડિયાદમાં આવી અનેક ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં રખડતાં ઢોર મામલે મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કે પગલા લેવામાં આવતા નથી.
તંત્રની ટીમ આ સમસ્યાને નિયંત્રિત કરવામાં નિષ્ફળઃ સ્થાનિકો
લોકોનું કહેવું છે કે, નડિયાદ મહાનગરપાલિકાની પ્રાણી પકડવાની ટીમ આ સમસ્યાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેના કારણે સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ પણ જોવા મળ્યો હતો. નડિયાદ શહેરના મુખ્ય રસ્તાઓ અને હાઇવે પર મોટી સંખ્યામાં રખડતા આખલાઓ લોકોની સલામતી માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યાં છે. નડિયાદમાં રખડતા આખલાઓ જીવલેણ અકસ્માતો પણ સર્જી ચૂક્યા છે. તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હવે સ્થાનિકોઓએ માંગ કરી છે કે, મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાનું કાર્ય શરૂ કરે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા મામલે કેવા પગલા લેવામાં આવે છે?
આપણ વાંચો : ગુજરાતમાં ધર્માંતરણ કરીને મુસ્લિમ બનનારાં સામે પણ કાર્યવાહીનો હાઈ કોર્ટનો સંકેત