અમદાવાદની પોળમાં પુરુષો સાડી પહેરીને રમે છે ગરબા, જાણો 200 વર્ષ જૂની પરંપરાનું મહત્વ

અમદાવાદઃ અમદાવાદ શહેર જેટલું જૂનું છે એટલી જ જૂની આ શહેર સાથે જોડાયેલી પરંપરાઓ પણ. શહેરના નદી પારના વિસ્તારની એક-એક પોળની, એક-એક ખાંચાની પોતાની આગવી પરંપરાની સ્ટોરી છે. એવી જ એક પોળના ઇતિહાસ અને વર્ષોથી ચાલી આવતી એક પરંપરા વિશે મહત્ત્વની વાત કરીએ. શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળની છે. અહીંની પોળમાં એક નહીં, પરંતુ લગભગ 200 વર્ષથી પુરુષો મહિલાના કપડાં પહેરીને ગરબે ઘૂમે છે
માત્ર પોળોમાં જોવા મળે દેશી ગરબાની રમઝટ
સમગ્ર પરંપરા વિશે વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. નવરાત્રિનો પવિત્ર તહેવાર અત્યારે પૂર્ણ થઈ ગયો છે. આ તહેવારની ઉજવણી ક્યાંક સ્થળ-કાળની રીતે વિશેષ હોય છે, તો ક્યાંક પરંપરાની રીતે વિશેષ હોય છે. એક બાજુ પાર્ટી પ્લોટમાં આધુનિક સ્વરૂપમાં ગરબાના મોટા આયોજનો થાય છે તો સામે અમદાવાદ શહેરમાં પોળોમાં દેશી ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. શહેરના જ શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળની પરંપરા તમને આશ્ચર્યમાં મૂકી દેશે.
આ પણ વાંચો: ‘મુંબઈ સમાચાર’ની 144 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર: સમાજ સુધારણા માટે ગરબાનો ‘અનોખો’ ઉપયોગ
આઠમની રાત્રે ઉજવાતી અનોખી પરંપરા આજેય જીવંત
અહીં નવરાત્રિની આઠમની રાતના એક એવી પરંપરા જીવંત છે, જે કદાચ તમે ક્યાંય નહીં જોઈ હોય. આઠમની રાતે, બારોટ સમાજના પુરુષો વર્ષોથી માથે ચાંદલો કરી, સ્ત્રીના વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબા ગાય છે. આ આશ્ચર્યની વાત છે કે પુરુષો સાડી પહેરીને મહિલાના વેશમાં ગરબા રમે છે. સામાન્ય રીતે આ વાત કોઈના માન્યામાં આવે નહીં, પરંતુ સદુમાતાની પોળમાં આ રીતે ગરબા થાય છે. આ માત્ર એક ઉજવણી નથી, પણ સદુમાતા પ્રત્યે એક ઊંડી શ્રદ્ધા અને સમર્પણ ભાવ છે.
આ પણ વાંચો: પરંપરાના રખેવાળઃ જૂનાગઢની વણઝારી ચોકની ‘પરંપરાગત’ ગરબી: બાળાઓ રમે છે સળગતી ઇંઢોણીનો રાસ!
પુરુષોની તેમની જ પત્ની તૈયાર કરીને મોકલે છે
લોકવાયકા એવી છે કે સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં થઈ ગયેલા એક સતીમાતાની યાદમાં આ સમાજના લોકો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે. રસપ્રદ વાત તો એ છે કે, આ ગરબા ગાવા માટે આ પુરુષોને તેમની જ પત્નીઓ સ્ત્રી વેશમાં તૈયાર કરે છે! આ પરંપરા સદીઓથી અહીંના બારોટ સમાજ દ્વારા જાળવવામાં આવી રહી છે. આગળ પણ આ પરંપરા જળવાઈ રહેશે તેવું અહીંના લોકો કહી રહ્યાં છે.
આ પણ વાંચો: મોરબીના શક્તિ ચોકમાં અનોખા ગરબા: 50 ફૂટની વિશાળ ચણિયાચોળીમાં એક બાળા રાસ રમી
અદ્ભુત સંસ્કૃતિ અને પરંપરાનું એક જીવંત ઉદાહરણ
અહીંના લોકો માતાની માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય છે, ત્યારે તેઓ આ ખાસ પહેરવેશમાં ગરબે ઘૂમતા હોય છે. આ પરંપરા અહીં વસતા સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકો દ્વારા આજે પણ એટલા જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી જાળવવામાં આવી રહી છે. આ ખરેખર અમદાવાદની અદ્ભુત સંસ્કૃતિ અને પરંપરાનું એક જીવંત ઉદાહરણ છે.
જમાનો આધુનિક થઈ ગયો પણ પરંપરા સચવાઈ છે
પોળના રહીશો માને છે કે સદુમાતા માતાજીના ભક્ત હતા, તેઓએ અનેક પરચા આપ્યા છે. જેથી આ પરંપરા આજ દિવસ સુધી આગળ ધપી રહી છે. જે પ્રમાણે પુરુષો સ્ત્રીના વેશમાં ગરબા રમીને પોતાની માનતા પૂરી કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અને આ વર્ષે પણ અનેક પુરુષ સ્ત્રીના વેશમાં ગરબા રમે છે. જમાનો આધુનિક થઈ રહ્યો છે. લોકો પણ તે હરોળમાં જોડાઈ રહ્યાં છે. પરંતુ સાથે સાથે પોતાની આગવી પરંપરાને પણ સાચવી રહ્યાં છે.