
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં કાલુપુર-શાહપુર વચ્ચે 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર થઈ ગયો છે. આ સાથે રાજ્યમાં કુલ 17 સ્ટીલમાંથી 13 બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું વજન 1,098 મેટ્રિક ટન છે અને તે પશ્ચિમ રેલવેની સાબરમતી મેઈન લાઈનને સમાંતર છે. આ બ્રિજ 14 મીટર ઊંચો અને 15.5 મીટર પહોળો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના મોટાભાગના સેક્શનમાં સામાન્ય રીતે 30 થી 50 મીટરના વાયડક્ટ સ્પાન બનાવવામાં આવે છે, પરંતુ અહીં સ્થિતિ અલગ હતી.
સૂત્રોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં બુલેટ ટ્રેનનું એલાઈનમેન્ટ કાલુપુર-શાહપુર મેટ્રો સ્ટેશન સેક્શનની ભૂગર્ભ મેટ્રો ટનલની ઉપરથી પસાર થાય છે. બુલેટ ટ્રેનના સ્ટ્રક્ચરનો ભાર મેટ્રો ટનલ પર ન પડે તે માટે ફાઉન્ડેશનને સુરક્ષિત અંતરે રાખવામાં આવ્યા હતા, જેના કારણે લગભગ 100 મીટર લાંબા સ્પાનની જરૂરિયાત ઊભી થઈ હતી.
સ્ટીલ ટ્રસ બ્રિજનો ઉપયોગ
લાંબા સ્પાનની જરૂરિયાતને પહોંચી વળવા માટે, હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને મેટ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંનેની માળખાકીય સુરક્ષા જાળવવા માટે ડિઝાઇન બદલીને ‘સ્ટીલ ટ્રસ બ્રિજ’ કરવામાં આવી હતી. આ બ્રિજને જમીનથી 16.5 મીટરની ઊંચાઈએ હંગામી સપોર્ટ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થયા પછી, આ હંગામી સપોર્ટ હટાવી લેવામાં આવ્યા હતા અને સમગ્ર માળખાને નીચે ઉતારીને કાયમી સપોર્ટ સિસ્ટમ પર ગોઠવવામાં આવ્યું હતું.
મેઈન સ્ટ્રક્ચરની એસેમ્બલી સુગમ બનાવવા માટે સાઈટ પર 11.5 x 100 મીટર માપનો ટેમ્પરરી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ લગભગ 45,186 ટોર્સ-શીયર પ્રકારની હાઈ સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સ સાથે બનાવવામાં આવ્યું છે અને તેનું ટકાઉપણું વધારવા માટે સી5 સિસ્ટમ પ્રોટેક્ટિવ પેઈન્ટિંગ અને એલાસ્ટોમેરિક બેરિંગ્સ લગાવવામાં આવ્યા છે.
વર્ષ 2026ની શરૂઆતમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027ના રોજ સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે. બીજા તબક્કામાં વાપીથી સુરત વચ્ચે બુલેટ ટ્રેન દોડશે. ત્રીજામાં તબક્કામાં વાપીથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે.
નવેમ્બર 2025માં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે અમદાવાદ જિલ્લામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. પ્રોજેક્ટની ટીમે ગિરધરનગર ફ્લાયઓવર પર દિલ્હી-અમદાવાદ મુખ્ય રેલવે લાઇન(વેસ્ટર્ન રેલવે)ને સમાંતર રેલવે ઓવર બ્રિજ(ROB)ની વિઆડક્ટ લૉન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.



