વડોદરાની એમ.એસ યુનિ.માં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા;

અમદાવાદઃ વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલના રૂમ નંબર 88માં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે વિદ્યાર્થીએ કયા કારણોથી આત્મહત્યા કરી તેનું કારણ જાણી શકાયું નથી.
આપણ વાંચો: ફાયર વિભાગે એમ.એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપ્યું
મૂળ જમ્મુ કાશ્મીરના ઉધમપુરનો રહેવાસી
મૃતક વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી અભ્યાસ અર્થે વડોદરા આવ્યો હતો. વિદ્યાર્થીના મોત મામલે ફતેગંજ પોલીસે હોસ્ટેલના વોર્ડનનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીના આપઘાતથી એમએસ કેમ્પસમાં શોકની લાગણી છવાઇ હતી.
આપણ વાંચો: એમએસ યુનિવર્સિટીના ઉપકુલપતિનું રાજીનામુ: વીસી વિરુદ્ધ હાઇ કોર્ટમાં પિટિશન થઈ હતી…
આપઘાતનુ કારણ અકબંધ
વિદ્યાર્થીના આપઘાત અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. ધનેશ પટેલે જણાવ્યું હતું કે, આ આપઘાત કયા કારણોસર કર્યો તે જાણી શકાયું નથી.
અભ્યાસમાં કોઈ મુશ્કેલી પડી કે અન્ય કોઈ કારણ છે તે બાબતે અમે ફેકલ્ટી હેડને સૂચનાઓ આપી છે. આ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેઓના માતા-પિતા અહીંયા આવે છે કે કેમ અન્યથા તેના વતનમાં મોકલવા અંગે હવાઈ માર્ગે વ્યવસ્થા કરવામાં આવશે.