દાહોદમાં રસ્તા પર પડેલી કપચીએ માતા-પુત્રનો ભોગ લીધો

અમદાવાદઃ મોટાભાગે જ્યારે પણ રસ્તાના, ગટરના કે, વીજજોડાણના કામ થાય છે ત્યારે કાટમાળ અથવા તો માલસામાન એમ જ છોડી દેવાતો હોય છે. સિમેન્ટ રેતીના ઢગલા કે પાણી માટે કરવામાં આવેલા ખાડા વગેરે બુરવાનું કોન્ટ્રાક્ટરો માટે ફરજિયાત હોવા છતાં થતું નથી. નાની ગલીઓમા પણા આવા કામકાજ થાય ત્યારે લોકોએ પરેશાની ભોગવવી પડે છે. આ પ્રકારે અધુરુ છોડેલું કામ ક્યારેક જીવલેણ બની જાય છે. આવો જ એક કિસ્સો ગુજરાતના દાહોદમાં બન્યો છે, જ્યાં રસ્તા પર પડેલી કપચીએ એક જ પરિવારના બે સભ્યનો જીવ લઈ લીધો છે.
માતા-પુત્રના એકસાથે મોત
અકસ્મતોની સતત વધતી ઘટનાઓ વચ્ચે ફરી એક ઘટનામાં માતા-પુત્રના મોત થયા છે. દાહોદમાં જે અકસ્માત થયો તે અવ્યવસ્થાના ભાગરૂપે થયો હતો. અહીં બાઈકમાં માતા પુત્ર જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર પડેલી કપચીને લીધે બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને પાછળથી આવતી એસટી બસ તેમના પર ફરી વળતા બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મૃતક શકુંતલાબેન ગોહિલ (40) અને આદિત્ય ગોહિલ (19) લીમખેડા હાઈ વે પર જઈ રહ્યા હતા. અહીં રસ્તા પર કપચી પડી હતી જેને લીધે બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને માતા-પુત્ર બન્ને નીચે પટકાયા હતા, દરમિયાન પાછળથી આવતી દાહોદ-વલસાડ એસટીબસનું ટાયર તેમના પર ફરી વળતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ અંગે બસડ્રાઈવરની પૂછપરછ કરી હતી.
આપણ વાંચો : પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત