
અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે દિવાળીની ઉજવણી આકાશમાં રોશની તો લાવી, પરંતુ સાથે જ રાજ્યભરમાં ઇમરજન્સી કેસોમાં મોટો વધારો પણ નોંધાયો હતો. ફટાકડાને કારણે દાઝવાના કેસો, માર્ગ અકસ્માતો અને આગની ઘટનાઓને કારણે ઘણા લોકો માટે આ તહેવાર જોખમી સાબિત થયો હતો.
EMRI ૧૦૮ પર ઇમરજન્સી કેસોનો ધસારો
ગુજરાતની EMRI ૧૦૮ એ દિવાળી દરમિયાન ૫,૪૦૬ ઇમરજન્સી કેસ નોંધ્યા હતા, જે ગયા વર્ષના સામાન્ય દિવસોની સરખામણીમાં ૧૨% જેટલો વધારો દર્શાવે છે. દાઝવાના કેસોમાં (Burn Cases) એકલા 53% જેટલો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ ૧૭ ઘટનાઓ નોંધાઈ હતી, ત્યારબાદ સુરત માં ૮ અને જામનગરમાં 5 કેસ નોંધાયા હતા.
તે સિવાય પડી જવાના અને ફટાકડાની ઇજાઓ સહિતના કેસો ૪૯૧થી વધીને ૮૬૨ થયા હતા, જેમાં 76%નો વધારો થયો હતો. ઝઘડાની ઈજાઓ અને ઊંચાઈ પરથી પડવાના ૨૯૧ કેસ હતા. જ્યારે માર્ગ અકસ્માત (Road Accidents)માં પણ ૭૪%નો વધારો નોંધાયો, હતો, જેનો આંકડો ૫૨૯ થી વધીને ૯૧૯ કેસ પર પહોંચ્યો હતો. જેમાં ટુ-વ્હીલર ૭૫૪, ફોર-વ્હીલર ૭૭ અને થ્રી-વ્હીલર ૪૬ કેસમાં સામેલ હતા. ફટાકડાના ધુમાડા અને વધતા પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ માટે ૩૮૦ કોલ નોંધાયા હતા, જેમાં ૫%નો વધારો થયો હતો.
દિવાળીના સમયગાળા દરમિયાન ગુજરાતભરના ફાયર વિભાગોએ સેંકડો આગ સંબંધિત કોલને પ્રતિસાદ આપ્યો હતો. અમદાવાદમાં દિવાળી સપ્તાહમાં કુલ ૧૨૨ આગના બનાવો નોંધાયા હતા. પીપળજની ટેક્સટાઇલ મિલમાં લાગેલી ગંભીર આગમાં ૩૨ વર્ષીય શ્રમિકનું મૃત્યુ થયું હતું. મુખ્ય ફાયર અધિકારી અમિત ડોંગરેના જણાવ્યા મુજબ, લગભગ ૯૦% આગ કચરાના ઢગલામાં શરૂ થઈ હતી.
રાજકોટમાં ધનતેરસથી મંગળવાર સવાર સુધીમાં ફાયર બ્રિગેડને ૧૨૫ કોલ મળ્યા હતા. મુખ્ય ઘટનાઓમાં જૂના એરપોર્ટ નજીક અને ફટાકડાને કારણે અધૂરા બાંધકામવાળી બહુમાળી ઇમારતોમાં લાગેલી આગનો સમાવેશ થાય છે. સુરતમાં ફાયર અધિકારીઓએ ૧૨૬ કોલને પ્રતિસાદ આપ્યો હતો, જેમાં વરાછાના મિની બજાર અને લિંબાયત વેરહાઉસમાં નોંધપાત્ર ઘટનાઓ બની હતી. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં ૩૯ આગની ઘટનાઓ નોંધાઈ હતી.
આ પણ વાંચો…સાવધાનઃ દિવાળીના દિવસે ગુજરાતમાં 5300થી વધુ ઇમરજન્સી કેસ, 58 લોકો દાઝ્યાં