ગુજરાતના અઢી લાખ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાતના ગરીબ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના (Saugat-e-Modi) શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યમાં અંદાજે 2.5 લાખ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈની કિટ વિતરિત કરવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય એકમે રમજાન ઈદ નિમિત્તે આ વિશેષ યોજના જાહેર કરી છે, જે અંતર્ગત લઘુમતી સમુદાયના ગરીબ પરિવારોને સહાય આપવામાં આવશે. ગુજરાત ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ ડો. મોહસીન લોખંડવાલાએ જણાવ્યું હતું કે, “આ યોજના માટે પાર્ટી ફંડમાંથી કોઈ સહાય આપવામાં નહીં આવે. તમામ ખર્ચ લઘુમતી મોરચાના હોદ્દેદારો અને સભ્યો ઉઠાવશે. પ્રતિ હોદ્દેદારને આશરે 100-200 કીટ તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી છે.
આપણ વાંચો: આ રાજ્યમાં વધુ મુસ્લિમ મહિલાઓ ઘર ચલાવવાની જવાબદારી સંભાળી રહી છે, સર્વેમાં તારણ…
શું હશે સૌગાત-એ-મોદી કિટમાં?
લઘુમતી સમુદાયોના આર્થિક રીતે નબળા સભ્યોને સૌગાત-એ-મોદી કિટનું વિતરણ કરવામાં આવશે. આ કિટમાં કપડા, સેવૈયા, ખજૂર, ડ્રાયફ્રૂટ અને ખાંડ હશે. આ ઉપરાંત મહિલાઓને આપવામાં આવતી કીટમાં સૂટ મટિરિયલ અને પુરુષોને આપવામાં આવતી કીટમાં કુર્તા પાયજામા મટિરિયલ હશે.
ગુજરાતમાં 75 લાખ જેટલા મુસ્લિમ વસે છે, જેમાંથી 45 લાખ મતદાતા છે. સરેરાશ પાંચ સભ્યોના ગણતરીથી, ‘સોગાતે મોદી’ યોજના દ્વારા અંદાજે 12.5 લાખ મુસ્લિમો સુધી સહાય પહોંચશે.
આ ઉપરાંત, ઈદ નિમિત્તે લઘુમતી સમુદાય માટે રાજ્યભરમાં સ્નેહમિલન સમારોહ પણ યોજાશે. મહાનગર, વોર્ડ, જિલ્લાઓ અને તાલુકા સ્તરે ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો આયોજિત કરાશે. ગુજરાત ભાજપના 250 લઘુમતી મોરચાના હોદ્દેદારો આ કાર્યક્રમોને સંચાલિત કરશે.
આપણ વાંચો: International Women’s Day: મોદી સરકારની મહત્વકાંક્ષી 10 યોજના જેણે બદલ્યું મહિલાઓનું જીવન…
યોજના પાછળ ભાજપનો શું છે ઉદેશ્ય?
મુસ્લિમ મતદારોની રીઝવવા માટે ‘સોગાતે મોદી’ જેવી યોજના શરૂ કરવામાં આવી છે.‘સોગાતે મોદી’ યોજના દ્વારા ભાજપ મુસ્લિમ સમુદાય સાથે સારો સંબંધ બાંધવા ઈચ્છે છે. આ પહેલનો હેતુ માત્ર ઈદીના નામે સહાય આપવાનો નથી, પરંતુ ઈદના તહેવારમાં સામાજિક એકતા દર્શાવવાનો પણ છે. ભાજપના હોદ્દેદારો હિંદુ તહેવારો જેમ કે દિવાળી અને નવું વર્ષ માટે સ્નેહમિલન સમારોહ યોજે છે, તે જ માળખા હેઠળ ઈદ સ્નેહમિલન પણ આયોજિત કરવામાં આવશે.