
નવી દિલ્હી/મુંબઈ/અમદાવાદ: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી તથા મોક ડ્રીલનો ઉદ્દેશ્ય યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને દુશ્મનના હવાઈ હુમલા દરમિયાન તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સામાન્ય લોકોને જાગૃત કરવાનો છે. પાટનગર દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિત ગુજરાતના 18 જિલ્લામાં આજે નિયત કરેલા સમયગાળાએ વિવિધ એજન્સી દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી.
ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ કરાઈ
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-18 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઇ છે.
આપણ વાંચો: ગુજરાતમાં આવતીકાલે 18 જિલ્લામાં મોક ડ્રીલ, રાતના 7.30 વાગ્યાથી આઠ વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ
કચ્છ, જામનગર, અમદાવાદ, સુરત જિલ્લાનો સમાવેશ
સરહદી જિલ્લા કચ્છના ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં લોકોને હવાઈ હુમલા અને યુદ્ધ સ્થિતિ વિશે વાકેફ કરાયા છે.
સુરત જિલ્લામાં કલેક્ટર દ્વારા 3 સ્થળ પર મોકડ્રીલનું આયોજન કરાયું છે. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ સાંજે 7:30 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાં બ્લેકઆઉટ કરાશે. તે ઉપરાંત જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ મોક ડ્રિલની શરૂઆત કરવામાં આવી હતી.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી
આર્થિક પાટનગર મુંબઈમાં પણ થઈ ડ્રીલ
મુંબઈમાં હાર્દ સમાન સીએસએમટી ખાતે રેલવે પોલીસ સહિત અન્ય એજન્સી સાથે મળીને ડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ અંગે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) ડૉ. સ્વપ્નિલ નીલાએ માહિતી આપી હતી કે સિવિલ ડિફેન્સ યુનિટ દ્વારા CSMT ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન રેલવેની તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સામાન્ય લોકોને સતર્ક રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મુંબઈ ઉપરાંત કલ્યાણમાં પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી અને નાગરિકોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આપણ વાંચો: 1971 બાદ દેશમાં ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે મોક ડ્રિલ, જાણો સાયરન વાગે ત્યારે શું કરશો…
દિલ્હીના ખાન માર્કેટમાં મોક ડ્રીલ યોજાઈ
આજે દિલ્હીના ખાન માર્કેટમાં એક મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં સુરક્ષા દળો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગોએ ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં ભાજપ હેડ ક્વાર્ટર ખાતે સાંજે એક મોક ડ્રીલ પણ યોજાશે. તેવી જ રીતે બેંગલુરુમાં હલસુરુ તળાવ, જયપુરમાં એમઆઈ રોડ, પુણેમાં કાઉન્સિલ હોલ અને હૈદરાબાદમાં કાચેગુડા રેલ્વે સ્ટેશન પર પણ મોક ડ્રીલ યોજાઈ હતી.