ગુજરાતમાં ફરી જામશે મેધાની રમઝટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જો કે થોડા સમય બાદ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો.
ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી રવિવાર, 14 સપ્ટેમ્બરથી, આગલા છ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય લોકો માટે મહત્વનું રહેશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વરસાદથી રાજ્યના ખેતીવાડી ક્ષેત્રને ફાયદો થઈ શકે છે, પરંતુ ભારે વરસાદથી બચવા માટે સાવચેતી પણ જરૂરી છે.
17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ પાકની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરે, જેથી વરસાદથી નુકસાન ન થાય.
18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન, સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.