રાજ્યમાં આગામી 3 દિવસમાં હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. પર્વતો પરથી ફૂંકાતા શીત પવનોના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે. તેની અસર હવે ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
આ ઘટાડાને કારણે ઠંડીનો ચમકારો વધશે અને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. તાપમાનમાં થનારા આ ઘટાડાને કારણે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે.
સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું
હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે અને રાત્રિના સમયમાં ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે. વર્તમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સરેરાશ કરતા 2.5 ડિગ્રી ઓછું છે.
તે સિવાય અમરેલીમાં 18.4 ડિગ્રી, ડીસામાં 18.8 ડિગ્રી અને ભુજમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પારો 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયો હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
આપણ વાચો: Gujarat Weather: વરસાદ ગયો, હવે ઠંડીનો માહોલ? જાણો દિવાળી ટાણે હવામાન વિભાગે શું કરી આગાહી?
તાપમાનમાં આગામી બે દિવસમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે
હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ દિશામાં પવનો ફૂંકાતા હોવાથી તાપમાન ધીમે ધીમે ઘટવાનું છે. આગામી બે દિવસમાં વધુ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં શિયાળાની ઠંડી સતત યથાવત રહેશે. વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ દરમિયાન ક્યાંય વરસાદની આગાહી કરવામાં આવી નથી



