આ રાજ્યમાં ખાબકશે જોરદાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | મુંબઈ સમાચાર

આ રાજ્યમાં ખાબકશે જોરદાર વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાત સહિત દેશમાં સાર્વત્રિક ચોમાસાની અસર વર્તાઈ રહી છે. દેશના વિવિધ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. 4 ઓગસ્ટ, 2025ના રોજ દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 10 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહી જાહેર કરી છે, જેમાં દેશના વિવિધ રાજ્યોમાં હળવાથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદનો માહોલ

ગુજરાતની વાત કરીએ તો, હવામાન વિભાગે 5થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતના ચોમાસા પર થઈ રહી છે. હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. જોકે, આ સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આ રવિવાર સુધીમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

દેશમાં ભારે વરસાદની આગાહી

IMDના દ્વારા જાહેર કરાયેલ તાજેતરની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ એટલે કે 7 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને 4 અને 5 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 5 અને 6 ઓગસ્ટે કેરળ અને તમિલનાડુના ઘાટ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભારે વરસાદનો માહોલ રહેશે, જેમાં કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 7થી 8 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે.

દિલ્હી અને અન્ય રાજ્યોમાં હવામાન

નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્ર અનુસાર, 4 ઓગસ્ટે રાજધાનીમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. 10 ઓગસ્ટ સુધી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. આ વરસાદ પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણની અસરને કારણે થશે.

આ પણ વાંચો…હિમાચલમાં વરસાદનો પ્રકોપ: 383 રસ્તા બ્લોક, મૃત્યુઆંક 173 પર પહોંચ્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button