અમદાવાદમાં ચંડોળા કિનારે બેરલ માર્કેટમાં લાગી ભીષણ આગ! ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી…

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad )માં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. તેવામાં ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ (Barrel Market Fire) લાગવાની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા ગણતરીની કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધીમી ધારે આવતા વરસાદમાં પણ બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી.
ગણતરીના કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
મળતી જાણકારી પ્રમાણે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, છેક રોડ સુધી ફેલાઈ ગઈ હતી. જેના કારણે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ફાયર વિભાગ સાથે સાતે એમ્બ્યુલન્સ પણ સત્વરે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 5 ફાયર ફાઇટરની ટીમે અને AFES ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ સાથે આગ પર કાબૂ મેળવાઈ જતા ફરી રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. શા કારણે આગ લાગી તેનું કારણ અકબંધ છે. પરંતુ આગના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગ રોડ સુધી આવી જતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે કોઈને હાનહાનિ કે, ઈજાઓ નથી પરંતુ માલસામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, કેટલું નુકસાન થયું છે તેનો આંકડો ચોક્કસ નથી. આગ જોતજોતનામાં રોડ સુધી આવી જતા લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ જાનહાનિ ના થતા અધિકારીઓ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસ તપાસ થયા બાદ જાણવા મળશે કે આગ શા કારણે લાગી હતી અને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે?