
અમદાવાદ: બગોદરા તાલુકામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. એક પરિવારની આત્મહત્યાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બગોદરા બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં આ ઘટના બની હતી. ધોળકા તાલુકાનો વાઘેલા પરિવાર અહીં ભાડે રહેતો હતો. પરિવારના સભ્યો વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા (34), સોનલબેન (26), તેમની બે પુત્રીઓ સિમરનબેન (11), પ્રિન્સીબેન (5) અને પુત્ર મયુરભાઈ (8) એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ છે.
આ પરિવાર મૂળ ધોળકાના બારકોઠા દેવીપૂજક વાસનો હતો અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનો મોભી વિપુલભાઈ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે પરિવારમાં આર્થિક તંગીને કારણે આપઘાત કર્યા હોવાની આશંકા સેવાય રહી છે. જો કે, સ્પષ્ટ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદનો લઈને તપાસ આગળ વધારી છે, પરંતુ હાલમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી.