કેસર કેરીના વાવેતર-ઉત્પાદનમાં ગીર સિવાય મહુવા, કુંડલા અને બરડાનું પ્રભુત્વ વધ્યું

અમદાવાદ: ફળનો રાજા ગણાતા કેસર કેરીની સિઝન ચાલી રહી છે અને હવે બજારમાં પણ તેનું આગમન થઈ રહ્યું છે. તેમાં પણ ગીરની કેસર કેરીની સોડમ તો છેક ગુજરાતના સીમાડા વટાવીને વિદેશ સુધી પહોંચી છે. ગીર પ્રદેશ આખો સાવજ અને આંબાના બગીચાઓથી ભર્યો પડ્યો છે પરંતુ ગીરની કેસર કેરી હવે માત્ર ગીરની નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ તેનું મબલખ ઉત્પાદન થઈ રહ્યું છે.
વર્ચસ્વ તૂટી રહ્યું હોય તેવી પરિસ્થતિ
કેસર કેરીની વાત આવે એટલે સોરઠ અને ગીર પંથકનું નામ હોઠે આવી ચડે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં આંબાના બગીચાઓ છે. તેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો ગીર પંથક પોતાની કેસર કેરી માટે વિશ્વમાં જાણીતો છે, પરંતુ હવે આ તેની આ ઓળખ નબળી પડી રહી હોય કે તેનું વર્ચસ્વ તૂટી રહ્યું હોય તેવી પરિસ્થતિ સર્જાય છે. કેસર કેરીના હબ ગણાતા આ જ પ્રદેશોમાં આંબા કાઢીને તેને સ્થાને અન્ય પાકો લેવામાં પણ આવી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

કેસર કેરીનું ઉત્પાદન ગીરમાંથી અન્ય ભાગો તરફ ખસ્યું
અત્રે જે વાત કરવાના છીએ તે છે કે ગીરની કેસર કેરીનું ઉત્પાદન ગીરમાંથી હવે સૌરાષ્ટ્રના અન્ય ભાગો તરફ ખસી રહ્યું છે. જુનાગઢ જિલ્લાના એક ખેડૂતે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે આંબાનું ઉત્પાદન ઘટી રહ્યું છે, વરસાદી નુકસાન, કુદરતી આપત્તોથી થતું નુકસાન, અન્ય પાક લેવા માટેની અગવડતા જેવી અનેક બાબતોની અસર કેરીના ઉત્પાદન પર પડી છે. વળી તેની સાથો સાથ છેલ્લા દાયકામાં કેસર કેરીની આવક અને ગુણવત્તા ગીરથી પોરબંદર અને સાવરકુંડલા-મહુવા પંથક તરફ ખસી રહી છે.
અન્ય ભાગોમાં કેસર કેરી કેન્દ્રિત
ગીરની ઓળખ સમી કેસર કેરીનું વાવેતર હવે અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેન્દ્રીત થઈ રહ્યું હોવાની સિલસિલો જોવા મળ્યો છે. તેમાં ખાસ કરીને સાવર કુંડલા, મહુવા, ધારી અને બરડા પંથકમાં કેસર કેરીનું વાવેતર વધી રહ્યું છે. બરડામાં સિંહોના આગમનની સાથો સાથ જ કેરીના પાકનો પણ પ્રારંભ થયો છે. આજે બરડા પંથકમાં અનેક આંબાવાડીયુ જોવા મળી રહી છે. તાલાળા માર્કેટિંગ યાર્ડ એ કેસર કેરી માટેનું કેન્દ્ર ગણાતું હતું પરંતુ હવે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીની આવક થાય છે.