અમદાવાદ

લક્ઝરી કારના વેચાણમાં ગુજરાતે પકડ્યું જોર: 2025માં વેચાણ પાંચ વર્ષની ટોચે

અમદાવાદઃ શહેરમાં લક્ઝુરિયસ કાર્સનું વેચાણ વધી રહ્યું છે. કોરોના બાદ ગુજરાતમાં લક્ઝરી કાર માર્કેટમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. SUVની સૌથી વધુ માંગ છે. રજિસ્ટ્રેશનના આંકડા પ્રમાણે, ગુજરાતમાં વર્ષ 2025માં લક્ઝરી કારનું વેચાણ પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. 2025માં આશરે 4,631 લક્ઝરી કાર નોંધાઈ હતી, જે 2024માં નોંધાયેલી 4,333 કાર કરતાં લગભગ 7% વધુ છે.

લક્ઝરી કાર પ્રત્યે વધી રહ્યો છે રસ

વર્ષ 2019માં કોવિડ પૂર્વે 3,426 યુનિટ્સનું વેચાણ થયું હતું, જેનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. લોકડાઉન અને સપ્લાયની સમસ્યાને કારણે 2020માં વેચાણ ઘટીને 2,303 અને 2021માં 2,478 યુનિટ્સ રહ્યું હતું. 2025માં આવેલો આ ઉછાળો ગુજરાતીઓમાં લક્ઝરી કાર પ્રત્યે વધતી જતી રુચિ અને લોકોની ખર્ચવા પાત્ર આવકમાં થયેલો વધારો સૂચવે છે. હાલમાં અમદાવાદમાં એન્ટ્રી-લેવલ પ્રીમિયમ SUV અને સેડાન ₹45 લાખથી શરૂ કરીને ટોપ-ટાયર લક્ઝરી મોડલ્સ ₹2.5 કરોડથી વધુની કિંમતે ઉપલબ્ધ છે.

સૂત્રોનું કહેવું છે કે આ વૃદ્ધિ પાછળ લક્ઝરી SUVની ભારે માંગ જવાબદાર છે. રાજ્યમાં નોંધાતી કુલ પ્રીમિયમ કારોમાં મોટો હિસ્સો હવે SUVનો છે. ખરીદદારો હવે વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, મજબૂત રોડ પ્રેઝન્સ અને ફીચર્સથી ભરપૂર મોડલ્સને પસંદ કરી રહ્યા છે. લક્ઝરી માર્કેટનો વ્યાપ માત્ર અતિ-શ્રીમંત લોકો પૂરતો મર્યાદિત ન રહેતા હવે પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો, પ્રોફેશનલ્સ અને પેઢીગત વ્યવસાય ચલાવતા લોકો સુધી વિસ્તર્યો છે. નવા મોડલ્સનું લોન્ચિંગ અને ઇલેક્ટ્રિક કાર વેરિઅન્ટ્સની ઉપલબ્ધતાએ પણ વેચાણને વેગ આપ્યો છે.

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને કોર્પોરેટ ડિમાન્ડને કારણે પ્રીમિયમ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ના રજિસ્ટ્રેશનમાં પણ વધારો થયો છે. ધનિક ખરીદદારો હવે નવી ટેકનોલોજી અપનાવવા માટે વધુ ઉત્સુક દેખાઈ રહ્યા છે. જો કોઈ મોટી આર્થિક કટોકટી ન આવે તો 2026માં પણ આ ટ્રેન્ડ જળાઈ શકે છે.નવા મોડલ્સ, વધતા EV વિકલ્પો અને ભારત-EU ટ્રેડ ડીલને કારણે કેટલાક પાર્ટ્સ સસ્તા થવાની શક્યતા છે, જેનાથી ગુજરાત લક્ઝરી ઓટો માર્કેટમાં ઝડપથી વિકસતું રાજ્ય બની રહેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button