વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: મોહસીને મનોજ નામ રાખીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી
![Love jihad in Vadodara](/wp-content/uploads/2025/02/Love-jihad-in-Vadodara.webp)
અમદાવાદ: વડોદરામાં એક વિધર્મી પુરુષે ખોટું નામ ધારણ કરી હિન્દુ મહિલાને લવ જેહાદનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં રહેતા મોહસીન અયુબ ખાન પઠાણ નામના શખ્સે હિન્દુ મહિલાને લગ્નની લાલચ આપી આજથી ચાર વર્ષ પૂર્વે સંપર્કમાં આવ્યા હતા. જો કે બાદમાં તેની સાચી ઓળખ છતી થઈ જતાં આરોપીએ મહિલાના સંતાનોને ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. જો કે અંતે મહિલાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવી છે.
લગ્નની લાલચ આપી મહિલાને ફસાવી
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના તાંદળજા વિસ્તારમાં સનફાર્મા કંપનીની બાજુમાં નૂરજહાં પાર્ક સોસાયટીમાં રહેતા મોહસિન અયુબખાન પઠાણે 33 વર્ષીય હિંદુ મહિલાને પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી હતી. આરોપીએ લગ્નની લાલચ આપીને બાપોદ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી, પરંતુ થોડા દિવસ પૂર્વે જ મહિલાને મોહસીનની સાચી ઓળખની જાણ થઈ જતાં બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી.
આપણ વાંચો: Rajasthan માં લવ જેહાદ રોકવા ધર્માંતરણ વિરોધી બિલને કેબિનેટની મંજૂરી…
ઇસ્લામ અંગીકાર કરવા દબાણ
જ્યારે મહિલાને મોહસીનની સાચી ઓળખની જાણ થઈ જતા બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આરોપીએ મહિલાના સંતાનોને ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. જો કે મહિલાએ તેનો વિરોધ કરતાં આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ મહિલાના નામે બે લાખની લોન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
કઈ રીતે આવ્યો હતો સંપર્કમાં?
આરોપી રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરતો હોય આ વ્યક્તિ મહિલા સાથે કેટરીંગના કામ સંબંધે સંપર્કમાં આવ્યો હતો અને તે સમયે મનોજ સોની તરીકે ઓળખાણ આપી હતી. જ્યારે મહિલાના ડિવોર્સ થયા બાદ આરોપીએ તેની સાથે હિન્દુવિધિ મુજબ લગ્ન પણ કર્યા હોવાનું મહિલાએ જણાવ્યું હતું. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.