અમદાવાદ

ગુજરાતમાં લૂંટેરી દુલ્હનનો આતંક: લગ્નની લાલચ આપી રોકડ અને દાગીના લૂંટી લેતી ગેંગ સક્રિય, 2 જિલ્લામાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ લગ્નેત્તર જીવનની આશામાં રહેલા યુવાનોને ભોળવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતી ઠગ ટોળકીએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે.

અમદાવાદ સ્થિત એક મેરેજ બ્યુરો મારફત સંચાલિત આ ટોળકીએ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સાબરકાંઠાના ઇડર પંથકમાં પણ સમાન મોડસ ઑપરન્ડીથી યુવાનોને ફસાવ્યાના ગંભીર કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. હાલમાં રાજકોટ અને ઇડર પોલીસે ફરિયાદ નોંધીને આ ગઠિયાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આપણ વાચો: લગ્નના 10 દિવસમાં જ પતિને મૂકીને ફરાર થઇ ગયેલી ‘લૂંટેરી દુલ્હન’ પતિના મોતના 7 મહિના બાદ પકડાઈ

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા વિપુલ ગોપાલભાઈ લાઠીયા (ઉ.વ. 37) નામના યુવાને વર્ષ 2023માં ફેસબુક પર ‘જય માડી મેરેજ બ્યુરો’ની જાહેરાત જોઈને તેનો સંપર્ક કર્યો હતો. મેરેજ બ્યુરોના સંચાલક હસમુખ મહેતાએ વિપુલને અમદાવાદ બોલાવી યુવતીના મામા રાજુ ઠક્કર સાથે વાત કરાવી હતી. લગ્ન માટે યુવતીના પરિવારને રૂ. 2.30 લાખ રોકડા આપવાનું નક્કી થયું હતું.

વિપુલે ચાંદની રમેશ રાઠોડ નામની યુવતી સાથે લગ્ન કર્યા અને હસમુખ મહેતાને પૈસા ચૂકવ્યા. લગ્ન બાદ લૂંટેરી દુલ્હન ચાંદની માત્ર 10 દિવસ યુવક સાથે રહી અને પછી માવતરે જવાનું કહીને પરત ન આવી.

આ સમય દરમિયાન વિપુલે ચાંદનીને સોના-ચાંદીના દાગીના પણ લઈ આપ્યા હતા. બાદમાં છૂટાછેડાની ધમકી આપીને રાજુ ઠક્કરે પૈસા અને દાગીના પાછા આપવાનો ઇનકાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. વિપુલ સાથે કુલ રૂ. 2.67 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આપણ વાચો: સાપુતારા પોલીસે ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ૬ આરોપીને ઝડપ્યા…

ચોંકાવનારી વાત એ છે કે, સાબરકાંઠાના ઇડર તાલુકાના રામપુર ગામના નૈમેશ પટેલ નામના યુવક સાથે પણ આ જ ‘ચાંદની રમેશ રાઠોડ’ અને તેના મળતીયાઓએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અહીં પણ એક દલાલ મારફત લગ્ન ગોઠવાયા હતા.

મંદિરમાં લગ્ન થયાના થોડા જ દિવસોમાં ચાંદની, તેના માતા-પિતા, મામા રાજુ ઠક્કર અને એજન્ટ સહિતની ટોળકી સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગઈ હતી. ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ટોળકીએ યુવક પાસેથી કુલ રૂ. 3.50 લાખ રોકડા, રૂ. 47 હજારના દાગીના અને અન્ય કિંમતી સામાન મળીને મોટી રકમની ઠગાઇ કરી હતી.

રાજકોટ અને સાબરકાંઠામાં નોંધાયેલી સમાન ફરિયાદો પરથી સ્પષ્ટ થાય છે કે, ચાંદની રાઠોડ, રાજુ ઠક્કર, હસમુખ મહેતા અને અન્ય પરિવારજનોની એક સુનિયોજિત ઠગ ટોળકી ગુજરાતના લગ્નવાંછુક યુવાનોને લક્ષ્ય બનાવી રહી છે.

બંને કિસ્સાઓમાં લૂંટેરી દુલ્હન, તેના પરિવારની સંડોવણી જણાઈ છે. બંને જગ્યાની પોલીસે આંતર-જિલ્લા સંકલન સાધીને આ ઠગ ટોળકીના સભ્યોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેથી ભોળા યુવાનોને ફસાવતા આ નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button