અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસા પૂર્વે ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું હતું. જેમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 38 ડિગ્રી આસપાસ રહ્યો હતો. રાજ્યમાં 33.6 ડિગ્રીથી લઈને 40.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 40.7 સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીના પ્રમાણમાં વધારો

આ દરમિયાન અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, વડોદરા 38.2 ડિગ્રી અને ભૂજમાં 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સાત દિવસ સુધી હળવા વરસાદની આગાહી

જ્યારે હવામાન વિભાગે આજથી સાત દિવસ સુધી રાજયના કેટલા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું 15 જૂન સુધી આવશે

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ જ આવશે. દર વર્ષે ચોમાસું 15 જૂનની આસપાસ જ એન્ટ્રી કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button