ગુજરાત કોંગ્રેસમાં લેટર બોંબ, આ બે દિગ્ગજ નેતા પર લગાવાયા ગંભીર આરોપ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા રાહુલ ગાંધી સક્રિય થયા છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતાં નેતાઓ, કાર્યકર્તાઓને હાંકી કાઢવા જણાવ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બી કે હરિપ્રસાદની આગેવાનીમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં કોંગ્રેસનો આંતરિક કકળાટ બહાર આવ્યો હતો. બેઠકમાં કોંગ્રેસના જ નેતાઓ ભાજપ સાથે મળેલા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ અને શૈલેષ પરમાર બંને નેતાઓના તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરતો એક પત્ર વાઇરલ થયો હતો.


આ પત્ર મુજબ, હિંમતસિંહ ભાજપના નેતાઓ સાથે આર્થિક સેટિંગ કરી રાજકારણ રમે છે. કોંગ્રેસ ભવન પર પથ્થરમારાની ઘટનામાં ભાજપ ધારાસભ્ય અમિત શાહનો પુત્ર અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામેલ હતા. હિંમતસિંહ ફરિયાદ લખાવવા ગયા ત્યારે ભાજપ ધારાસભ્યના પુત્રનું નામ લખાવ્યું નહોતું. ભાજપે તેના તમામ પૂર્વ ધારાસભ્યોની પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમકસિંહ પટેલની પોલીસ સુરક્ષા આજ સુધી કેમ હટાવવામાં આવી નથી. ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા વિરુદ્ધ કોંગ્રેસ આજ સુધી કેમ ધરપકડની માંગ નથી કરી, તેની પાછળ કયું રહસ્યમય કારણ છે?
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ભાજપ સાથે ગોઠવણ છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારામાં પોલીસ શૈલેષ પરમારને પકડીને લઈ ગઈ હતી. હિંમતસિંહ પટેલ કોંગ્રેસ તરફથી ફરિયાદ કરાવવા માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. તે સમયે અમિત શાહ પણ ભાજપ તરફથી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. હિંમતસિંહે અમિત શાહને ધમકી આપી કે જો તમે શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં લખાવશો તો અમે પણ તમારા પુત્રનું નામ અને ભાજપ કાર્યકર્તાઓ સાથે પથ્થરમારામાં સામેલ હોવાની ફરિયાદમાં લખાવીશું. હિંમતસિંહ પટેલ, શૈલેષ અરમાર અને અમિત શાહ વચ્ચે થયેલા કરારના કારણે ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓની બલિ ચઢાવીને શૈલેષ પરમારને બચાવી લીધા હોવાનું લેટરમાં લખ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રેસ, લગ્ન અને લંગડા ઘોડાઓને અલગ તારવવા માટે કવાયત શરૂ કરી છે તેવા જ સમયે પક્ષમાં કકળાટ શરૂ થયો છે. આંતરિક વિખવાદમાં કોંગ્રેસ મજબૂત થવાના બદલે વધુ તૂટી શકે છે.
આ પણ વાંચો…પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર